ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને પાક નોંધણી કરાવવામાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઓનલાઈન પોર્ટલની ટેકનિકલ ખામીઓ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન દોરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
કિશાન સંઘે રજૂઆત કરી છે કે, ખેડૂત પોર્ટલ પરથી મોબાઈલ દ્વારા નોંધણી કરવા જાય છે ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે થઈ શકતી નથી. પોર્ટલ પર સર્વર ડાઉન રહે છે, જેથી ખેડૂતોને નોંધણી માટે લાંબો સમય રાહ જોવી પડે છે. કિસાન સંઘે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. હાલમાં 15/09/2025 સુધી નોંધણીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ટેકનિકલ ખામીઓને કારણે ઘણા ખેડૂતોની નોંધણી બાકી રહી ગઈ છે. જેથી આ તારીખ લંબાવવામાં આવે તેમજ હાલમાં સરકારી ટેકાના ભાવે ખરીદી માટે મગફળીનું વેચાણ કરવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સોયાબીનનું વેચાણ થતું નથી. ચોમાસામાં મગફળી અને સોયાબીનનું ઉત્પાદન એકસાથે થાય છે, તેથી મગફળીની ખરીદી પૂરી થયા બાદ જ સોયાબીનની ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જયારે એક જ નામના અને જુદા જુદા સર્વે નંબર ધરાવતા ખેડૂતોની જમીન એક જ પત્રકમાં દર્શાવવા માટે માપણી કરાવવાની હોય છે. આથી, જ્યાં સુધી આ માપણી પૂરી ન થાય ત્યાં સુધી મગફળી અને સોયાબીનનું વેચાણ કરવા દેવું જોઈએ તથા શહેરના વિસ્તારોના ખેડૂતોને નોંધણી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. કિસાન સંઘે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આ આવેદનપત્ર ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ પટોળીયા દ્વારા આપવામાં આવ્યું.