આગચંપી, રસ્તા સૂમસામ, ટ્રેનો રોકી બિહારથી રાજસ્થાન સુધી ભારત બંધની અસર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માગને લઇને બુધવારે ’ભારત બંધ’નું આહ્વાન કર્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)) એ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે ન્યાય અને સમાનતા સહિતની માંગણીઓની યાદી બહાર પાડી છે. આ બંધની અસર બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. જેમાં બિહારમાં પટના-આરામાં ટ્રેનો રોકવામાં આવી હતી તો દરભંગામાં આગચંપી, ગિરિડીહમાં ચક્કા જામ કરવામાં આવ્યું હતું, આ સાથે રાજસ્થાનના જયપુર સહિત અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. તો ગુજરાતમાં પણ બંધને મિશ્ર પતિસાદ જોવા મળી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમી લેયર અને ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવાના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માગ કરી છે.હકીકતમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે. રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે.
આ સાથે સુપ્રીમ કોર્ટે તેના 2004ના જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે સબ કેટેગરીનો આધાર યોગ્ય હોવો જોઈએ. કોર્ટે કહ્યું કે આવું કરવું બંધારણની કલમ 341 વિરુદ્ધ નથી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે જઈમાં કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં. આ ઉપરાંત જઈમાં સમાવિષ્ટ કોઈપણ જાતિનો ક્વોટા નક્કી કરતા પહેલા તેની ભાગીદારી વિશે નક્કર ડેટા હોવો જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય દેશભરમાં વિવાદનો વિષય છે. વિરોધ કરનારા લોકોનું માનવું છે કે આનાથી અનામત પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્ર્નાર્થ ચિન્હ ઊભો થયો છે. ઘણી સંસ્થાઓએ કહ્યું કે આ અનામત નીતિની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે અને સામાજિક ન્યાયનો ખ્યાલ નબળો પડશે.
- Advertisement -
અનામત બચાવોના મુદ્દે ભારત બંધના એલાન દરમિયાન જામનગરમાં અનુસૂચિત જાતિ દ્વારા ચક્કાજામ
જામનગર શહેરમાં આજે અનામત બચાવોના મુદ્દે ભારત બંધના અપાયેલા એલાનને અનુલક્ષીને જામનગર શહેર અને જિલ્લા અનુસૂચિત સમાજ સહિતના જુદા જુદા દસ જેટલા સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવા માટે શહેરમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને સુત્રોચ્ચાર કરાયા હતા.
દલિત સમાજના કાર્યકરો દ્વારા જામનગરના ટાઉનહોલ સર્કલમાં ચક્કા જામ સર્જી દેવાયો હતો, જેને લઈને તંત્રમાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનો થોડો સમય માટે બંધ રહી હતી. જ્યારે વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. જામનગર શહેર જિલ્લાની જુદી જુદી 10 જેટલી સંસ્થાના દલિત સમાજના હોદ્દેદારો- કાર્યકરો વગેરે રસ્તા પર ઉતર્યા હતા, અને ભારત બંધના સમર્થનમાં સર્વેને જોડાવા માટે અપીલ કરી હતી.
વડોદરામાં ઘર્ષણ, પાટણમાં ચક્કાજામ, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ
ગુજરાતના અનેક જીલ્લાઓમાં એસસી-એસટી સમાજના લોકો ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. અનેક શહેરોમાં બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના એમજી રોડ પર આવેલી દુકાનો બંધ કરાવવા બાબલે બોલાચાલી થતાં ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીના લીધે ઘર્ષણ ટળી ગયું હતું. તો બીજી તરફ અમદાવાદ અને પાટણમાં દલિત સમાજના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરતાં પોલીસે અટકાયતનો દૌર શરૂ કરી દીધો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એસટી-એસસી સમાજના એકઠા થયા છે અને તેમણે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું.
અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના વિરોધમાં સુરતમાં યોજાઈ રેલી, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી
અનામતમાં ક્રિમી લેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.