કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી અપાઇ
આગામી મહિનાથી પ્રવેશ પ્રક્રિયા મેરિટ મુજબ થશે: પ્રિયાંક ભરાડ
રાષ્ટ્રીય ધારા ધોરણો મુજબ મેદાનો, આવાસો અને વ્યાયામ શાળાને અપગ્રેડ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના આદ્યગુરુ ગિજુભાઈ ભરાડનું સદાય એ સ્વપ્ન રહ્યું છે કે રાજકોટમાં એક સૈનિક સ્કૂલ હોવી જોઈએ. ભરાડ સ્કૂલ્સ અને સંકુલોના વર્તમાન સંચાલક જતીનભાઈ ભરાડે રાજકોટ માટે સૈનિક સ્કૂલની કેન્દ્રીય મંજૂરી મેળવી સમગ્ર સૌરાષ્ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓનું પણ સ્વપ્ન સાકાર કર્યું છે.
આ અંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જતીનભાઈ ભરાડે કહ્યું કે ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠ કેમ્પસને સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગતની સૈનિક સ્કૂલ સોસાયટીની વિધિવત મંજૂરી મળી જતાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી સૈનિક શાળાનો શુભારંભ થશે. ભારત સરકારે દેશમાં એકસો સૈનિક સ્કૂલને મંજૂરી આપવાની છે જેમાં ગુજરાતમાં સાત મંજૂર થઈ છે. તેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ સ્કૂલ છે અને તેમાંથી રાજકોટ જિલ્લાની એકમાત્ર સૈનિક સ્કૂલ એટલે કે ભરાડ સ્કૂલને મળી છે.
આ નવી ભરાડ સૈનિક સ્કૂલ મુખ્યત્વે રાષ્ટ્રીય સંરક્ષણ શિક્ષણ (ડિફેન્સ એજ્યુકેશન)ની મુખ્ય ધારાસાથે જોડાશે. રાજકોટની સૈનિક સ્કૂલ આપણને તક આપે છે કે વધુ ગુજરાતીઓ સૈન્યમાં ભરતી થવા પાત્ર યોગ્યતાઓ આ સ્કૂલમાં કેળવશે એવી મને આશા છે. આ પ્રસંગે ગિજુભાઈ ભરાડે કહ્યું કે સૈનિક સ્કૂલ માત્ર મિલ્ટ્રી, એરફોર્સ, નેવીમાં જવા માટે જ નથી, સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઘરમાં, સમાજમાં, વ્યવસાયમાં એમ બધે શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થાય છે. સામાન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થી વચ્ચે આસમાન-જમીનનો ફેર હોય છે. એ ફેર તેમની નિત્ય દિનચર્યા અને જીવનશૈલીને કારણે હોય છે જે એને સૈનિક સ્કૂલમાં શીખવા મળે છે. ગમે તેટલા ઉચ્ચ અભ્યાસ કે ડીગ્રીઓ પછી પણ તેઓ સદાય પોતાને સૈનિક સ્કૂલના વિદ્યાર્થી તરીકે જ ઓળખાવે છે એ જ જીવનનું સૌથી ગૌરવાન્વિત ગિરિશિખર બની જાય છે. વધુમાં ભરાડે કહ્યું કે આ શાળાના સંચાલનમાં સમગ્ર ગુજરાતની 16000 સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના પ્રમુખ જતીનભાઈ તેમજ અમેરિકાથી ઉચ્ચ અભ્યાસ કરી અને તે જ કોલેજના અધ્યાપક તરીકેની જવાબદારી છોડી અહીં રાષ્ટ્ર માટે પાછા આવેલા પ્રિયાંકભાઈ તેમજ એક સૈન્યના ઓફીસર સાથે જોડાશે. છેલ્લા એક વર્ષથી સતત કેમ્પસના ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડ કરવામાં આવ્યા છે. રમતના મેદાનો, વ્યાયામ શાળા, ટેકનોલોજિકલ સુવિધાઓ પણ રાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના નિર્માણ કરવામાં આવ્યા છે. ઉપરાંત સૈનિક સ્કૂલની સમાંતર નિવાસી વ્યવસ્થાનું પણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની આ એકમાત્ર સ્કૂલ રહેશે, કેન્દ્રની નીતિ છે કે એક જિલ્લામાં બીજી સ્કૂલ નહીં તેમ ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠના ટ્રસ્ટી અને મેનેજિંગ ડિરેકટર પ્રિયાંક ભરાડે જણાવ્યું હતુ.



