ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આપણા રાજ્ય અને રાષ્ટ્રના રાજકારણમાં રાજકોટ હમેંશા કેન્દ્રસ્થાને રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં પણ રાજકોટ-સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળશે એવું છેલ્લા કેટલાક સમયથી ચર્ચાતું હતું. જોકે આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની જાહેરાત બાદ રાજ્ય-રાષ્ટ્રના રાજકારણમાં સૌરાષ્ટ્રનું સ્થાન અકબંધ રહ્યું છે પરંતુ રાજકોટનું જાણે નામું નખાઈ ગયું છે.
- Advertisement -
એકતરફ રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9 મંત્રીઓ બનતાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધ્યું છે તો બીજીતરફ સૌપ્રથમવાર ગુજરાતની ભાજપ સરકારના મંત્રીમંડળમાં રાજકોટના એકપણ ધારાસભ્યને સ્થાન મળ્યું નથી. ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પાસેથી મંત્રીમંડળ લઈ લેવાયું છે તો મંત્રીપદના પ્રબળ દાવેદાર ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડો. દર્શિતાબેન શાહને પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળતા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળી રહ્યા છે.
એક સમયે રાજકોટમાં ધારાસભ્યની ચૂંટણી લડેલા નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે. અહીંથી જ ચૂંટણી લઈ સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણીના મૃત્યુ બાદ હવે કેન્દ્ર તો શું પણ રાજ્યના રાજકારણનું પણ એપીસેન્ટર રાજકોટ રહ્યું નહોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટના એકપણ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ ન થતા હવે સંગઠન બાદ સરકારમાં પણ રાજકોટની વાચા રૂંધાઈ જશે એવું લાગી રહ્યું છે.
ટીવી ચેનલ્સ-સોશિયલ મીડિયામાં આગાહી કરતા બની બેઠેલાં પોલિટિકલ એક્સપર્ટ્સ ખોટા પડ્યા!
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં કોને લેવાશે અને કોને પડતા મૂકાશે તેની ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં દિવસ-રાત આગાહી કરનારા બની બેઠેલા સ્વયંઘોષિત પોલિટીકલ એક્સપર્ટ ખોટા પડ્યા છે. જેની સૌથી વધુ ચર્ચા થતી હતી એવા જયેશ રાદડિયાને નાયબ મુખ્યમંત્રી તો દૂરની વાત છે પરંતુ મંત્રીપદ પણ ન મળ્યું. વળી કેટલાક તો બે ઉપમુખ્યમંત્રી બનશે એવી વાત કરી અવનવી ફોર્મ્યુલા રજૂ કરતા હતા અને અમુક તો મુખ્યમંત્રી જ બદલાઈ જશે ત્યાં સુધીની વાત ડંકે કી ચોટ પર કરતા હતા. સૌ જાણે છે કે, ભાજપના રાજમાં કોઈપણ આગાહી કરવી કે કશું કહેવું અતિ મુશ્ર્કેલ છે, ક્યારે શું થઈ શકે એ કશું કહેવું-વિચારવું સમય બગાડવા બરાબર છે. આમ છતાં ખુદને પોલિટીકલ એક્સપર્ટ ગણાવનારાઓની આગાહીઓ ફરી એકવાર ભાજપ મોવડીમંડળે ખોટી પાડી દીધી છે.