સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્ર્વરનું અદ્ભુત સર્જન: ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
8 માર્ચ સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શુભેચ્છાઓ પાઠવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્ર્વરનું અદ્ભુત સર્જન. આ દિવસ સ્ત્રીશક્તિ, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબૂત સ્તંભ છે જે માત્ર પરિવારનું જ નહીં સમગ્ર વિશ્ર્વનું સંચાલન કરે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે. કલા, રમતગમત, વ્યવસાય, વિજ્ઞાન કે ટેકનોલોજી, દરેક જગ્યા પર મહિલાઓએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસથી સફળતા હાંસલ કરી છે. મહિલાઓના સશક્તિકરણને વેગ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યની મહિલાઓ વતી આભાર વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહિલાલક્ષી પહેલોના સુદ્દઢ અમલીકરણ થકી આજની નારી સશક્ત બની છે. દીકરીના જન્મથી લઈ વૃદ્ધાવસ્થા સુધી સરકાર તેમની પડખે ઉભી છે. મહિલા સશક્તિકરણને પ્રેરણા આપતી વિવિધ યોજનાઓ જેવી કે વહાલી દીકરી યોજના, ક્ધયા કેળવણી અભિયાન, શિષ્યવૃત્તિ સહાય, બેટી બચાવો અભિયાન, પોષણ અભિયાન, ગંગાસ્વરૂપા યોજના જેવી અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાનમાં યોગદાન આપી રહેલી છે.
મહિલા સશક્તિકરણ અંગે જાગૃકતા કે સફળતા એ માત્ર સરકારના પ્રયત્નો થકી નથી મળતી પરંતુ સમાજે તેમાં પૂરી નિષ્ઠાથી જોડાવવું પડે છે. મહિલા ઉત્કર્ષ કે અધિકાર કે સશક્તિકરણની જવાબદારી સહિયારી છે. આપણે સૌની ભાગીદારીથી એવા વિકસિત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે જ્યાં ખરા અર્થમાં મહિલાઓને સમાન હક મળતો હોય, તેઓ સુરક્ષિત રીતે રહી શકતી હોય તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.



