ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઈલ્ડલાઇફ એન્ડ ક્ધઝર્વેશન સ્ટડીઝ અને ડો. સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “સિંહ આપણા રાજ્ય અને દેશનું જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. જે પ્રજાની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના સિંહ જેવી હોય, તેની ખમીરી અને ખુમારી હંમેશા સર્વોત્તમ હોય છે.”
આ પ્રસંગે ગુજરાત રાજ્ય વાઈલ્ડ લાઇફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસે સિંહોના સંવર્ધન માટે સરકાર અને વન વિભાગ દ્વારા થઈ રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી.
તેમણે વડાપ્રધાનના ’પ્રોજેક્ટ લાયન’ની વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સિંહોના રહેઠાણ, સ્વાસ્થ્ય, માનવ-પ્રાણી સંઘર્ષ અને પ્રવાસન વિકાસ જેવા વિવિધ પાસાઓને આવરી લે છે. કાર્યક્રમના પ્રારંભે સેન્ટર ઓફ એક્સલન્સના ડાયરેક્ટર ડો. નિશિથ ધારૈયાએ યુનિવર્સિટીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી. આ પ્રસંગે, સ્ટોરી લેખન સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેણે સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.