મેળામાં સુશાસન વ્યવસ્થાને બિરદાવતું વિજ્ઞાન જાથા
ખાસ-ખબર ન્યૂઝ જુનાગઢ
જુનાગઢમાં મહાકુંભ શિવરાત્રી-મેળાનો દરજ્જો મળ્યો છે ત્યારથી સરકારી તંત્રે ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી શ્રદ્ધાળુઓ માટે લાભપ્રદ સાબિત થયું છે. મેળામાં ઠેરઠેર છુપીઆ કેમેરા ગોઠવવાના કારણે છેતરપિંડી, અશોભનીય વર્તન, વાણી, વ્યવહાર ઉપર નિયંત્રણ આવ્યું છે તેમાં બેમત નથી. આ વર્ષે મેળો ફેબ્રુઆરી તા. 22 થી તા. 26 સુધી યોજાવાનો છે જેમાં સૌ કોઈને આદર સાથે ધાર્મિક અહોભાવ જોવા મળે છે. પાછલા વર્ષોમાં પરપ્રાંતિય સાથે બનાવટી નાગા બાવાના તર્કટથી અનેક શ્રદ્ધાળુઓ ભોગ બન્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષથી છુપા કેમેરાના કારણે છેતરપિંડીના બનાવો અટકયા છે તેવું સ્પષ્ટ જોવા મળે છે. આ વર્ષે બનાવટી પરપ્રાંતીય બાવાઓથી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં મેળા ઉપરાંત બનાવટી વેશભૂષામાં ધાર્મિક વેશપરિધાન, નાગા બાવાનું તર્કટ રૂપ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડીના કિસ્સામાં જાથાએ નજરે જોઈ પર્દાફાશ કર્યા હતા. તેમાં મદારી અને ગુન્હાહિત માનસ ધરાવતા લેભાગુ બનાવટી વેશધારણ કરી પોતાના શરીર ઉપર અંગ કસરત, કેફી પીણું, પ્રસાદમાં મિશ્રણ કરી બેશુદ્ધ અવસ્થાનો લાભ લેતા નજરે પડયા હતા. તેવા અનેક કિસ્સા જાથાએ લોકો સમક્ષ મુક્યા છે તેના કારણે દર વર્ષ જુનાગઢ શિવરાત્રીના મેળામાં સર્વાગી સાવધાની રાખવા લોકોને જાગૃત કરવામાં આવે છે. જાથા ઈશ્વર-ભગવાન વિરોધી સંસ્થા નથી. સાચા સાધુ-સંતો પ્રત્યેમ કાયમ આદર રાખે છે. સરકાર તરફના તકેદારીના પ્રયાસો સરાહનીય જોવા મળે છે તેનો જાથાને આનંદ છે. મેળામાં બનાવટી રાવટી, ધાર્મિક માહોલ, આકર્ષણ થાય તેવા ભક્તિ-ભાવ, શ્રદ્ધાનો ઉન્માદ જોવા મળે તેવા તર્કટ તંબુમાં પ્રવેશતા ત્યાં આપવામાં આવતો પ્રસાદ, ચલમ કે કેફી દ્રવ્ય પીતા સાવધાની રાખવા જાથા અપીલ કરે છે. બનાવટી બાવા ખાસ કરીને યુવાવર્ગને નિશાન બનાવી ચલમની ઘૂંટનો આગ્રહ રાખી યેનકેન છેતરપિંડી કરે છે. બેભાન અવસ્થામાં આવતાની સાથે શરીર ઉપરની ચીજવસ્તુ ગાયબ થઈ જાય છે. વર્તમાન સ્થિતિ ધ્યાને રાખી પુરતી તકેદારી સાથે બનાવટી નાગાબાવાના અંગ કસરતો, પ્રસાદ, ચલમની ઘુંટ, કેફી પદાર્થ ઉન્માદના કારણે પીવાથી પોતાના શરીર ઉપરની કિંમતી વસ્તુઓ, રૂપિયાના પાકીટ, સોનાના ચેઈન, દાગીના ગુમ ન થાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને અનુરોધ કરે છે. અગાઉના વર્ષોમાં તો બનાવટી નાગા બાવાની ફૌઝ ઉતરતી તેના કારણે અનેક છેતરાયા હતા. શંકાસ્પદ વસ્તુ, પીણું કે અંગ કસરતમાં ઘડીયાળ, વીંટી મુકવી નહિ, મોહ-માયામાં આવી જવું નહિં તેમ જાથા જણાવે છે.