ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અનાથ દીકરીઓ માટે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ તાલુકાપંચાયત માળિયા હાટીના ખાતે તાલુકાવિકાસ અધિકારી મિલનભાઈ પાવરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે 25 કરતાં વધુ અનાથ દીકરીઓને નોટબૂક્સ, પેન્સિલ, સ્કૂલ બેગ, વોટર બોટલ, જ્યોમેટ્રી બોક્સ સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ તકે તાલુકાવિકાસ અધિકારીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન ઉઇંઊઠ ટીમના કૃપાબેન ખૂંટ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના, મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. સખીવન સ્ટોપ સેન્ટરના અંકિતાબેન ભાખર દ્વારા સખીવન સ્ટોપ સેન્ટર અંગે માહિતી આપી હતી. ઉઇંઊઠ ટીમના મીનાક્ષીબેન ડેર દ્વારા ચિલ્ડ્રન હોમ અંગે તેમજ બાળકોને લગતા કાયદા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન અનાથ દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને અંતે શૈક્ષણિક કીટ, બેટી બચાવો બેટી પઢાવો યોજનાના પ્રચાર-પ્રસાર અર્થે લોગાવાળા કિ-ચેઇન વિતરણ કરાયા હતા.