-જ્વેલરીથી ઓટો અને ઇલેક્ટ્રોનિકથી કીચન, ટેક્સટાઇલથી ફર્નિચર: દેશમાં દરેક વ્યાપાર ઉદ્યોગને દિપાવલીનો બમ્પર બિઝનેસ
-જ્વેલરીથી લઇ કોઇન, સોના અને ચાંદીમાં જબરી ડીમાંડ રહી: છેલ્લા બે વર્ષનો જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક તળિયે પહોંચી ગયો
- Advertisement -
-ઓટોમોબાઈલમાં તા. 22-23ના બે જ દિવસમાં રૂ. 7000 કરોડનો વેપાર: ટુ વ્હીલરથી લઇ ફોર વ્હીલરના બુકીંગ ઓર્ડર ડીલીવર થયા
દેશમાં દિપાવલીના તહેવારો સૌથી વધુ શોપીંગ ડે રહે છે અને તેમાં ચાલુ વર્ષે તમામ રેકોર્ડ તૂટી ગયા. ધનતેરસએ સોનાથી લઇ ટુ વ્હીલર અને કાર ખરીદવા માટેનું સૌથી વધુ મહત્વ ધરાવે છે અને ધનતેરસના દિવસે સોનાના રુા. 25,000 કરોડની ખરીદી દેશભરમાં થઇ હતી. તા. 22 અને 23 ઓક્ટોબર દેશભરમાં સોની બજારોમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી જ્યારે સાથોસાથ ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, ફર્નિચર સહિતની ખરીદી અને હોમ ડેકોર, મીઠાઈ, સ્નેક, વાસણો, મોબાઈલ સહિતની ખરીદી ફક્ત બે દિવસમાં જ રુા. 20,000 કરોડથી વધી ગઇ. જેના કારણે હાલમાં પુરુ થયેલું વીકએન્ડ દેશના વ્યાપાર જગત માટે સૌથી ઉત્સાહભર્યું રહ્યું છે.
કો ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના નેશનલ પ્રેસીડેન્ટના જણાવ્યા મુજબ ધનતેરસના સમયમાં સોના અને ચાંદીના સિક્કાઓ ઉપરાંત કલાકૃતિઓ તેમજ વાસણોની ખરીદીમાં પણ જબરો વધારો નોંધાયો અને કુલ 25,000 કરોડનો બિઝનેસ ધનતેરસના દિવસે દેશના જ્વેલરી ઉદ્યોગો કર્યો છે જ્યારે દેશમાં દિપાવલીના તહેવારોનો કુલ શોપીંગ રુા. 1.50 લાખ કરોડ જેવું થઇ જશે.
- Advertisement -
જેમાં ખાસ કરીને ઓટોથી લઇ આવાસ અને કોમ્પ્યુટરથી લઇ લેપટોપ, ટેલીવીઝન, હોમ ડેકોરેશન વગેરેનો પણ સમાવેશ થાય છે અને સૌથી મહત્વનું એ છે કે આ વર્ષે મેઇડ ઇન ઇન્ડીયાને લોકોએ સૌથી વધુ મહત્વ આપ્યું છે જેના કારણે ચાઈનાથી થતી આયાતને રુા. 75,000 કરોડનો ફટકો પડ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ હવે કોવિડથી પૂરેપૂરો રિકવર થઇ ગયો છે અને ભારતની સોનાની માંગ જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં 80 ટકા જેવી વધી ગઇ છે અને સોનાની આયાત 2021માં 346.38 ટન હતી અને 2022માં અત્યાર સુધીમાં 308.78 ટન થઇ છે પણ આયાત ઘટવાનું મુખ્ય કારણ છેલ્લા બે વર્ષમાં કોરોના ઇફેક્ટને કારણે જે જંગી સ્ટોક ભેગો થયો હતો તે આ દિપાવલી પર સૌથી વધુ ઉપયોગમાં લેવાયો છે.
આ ઉપરાંત જ્વેલરી ઉદ્યોગની સાથે ઓટોમોબાઈલ ઉદ્યોગનો વ્યાપાર રુા. 6,000 કરોડ નોંધાયો છે, ફર્નિચરમાં 1500 કરોડ કોમ્પ્યુટર અને તેની સંબંધીત આઈટમોમાં રુા.2500 કરોડ, એફએમસીજી એટલે કે ઘરેલુ ખરીદીમાં રુા. 3000 કરોડ,ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં રુા. 1000 કરોડ અને સ્ટેનલેસ સ્ટીલ એલ્યુમીનીયમ તેમજ કિચન, ટેક્સટાઇલ, ફેશન વગેરેને રુા. 1700 કરોડનો બિઝનેસ થયો છે. જેના કારણે હવે આગામી વર્ષ વધુ ધૂમ ધડાકા સાથે ભારત પ્રવેશ કરશે તેમ મનાય છે.