ટંકારાના ગ્રામદેવ લક્ષ્મીનારાયણ પ્રત્યે અનન્ય શ્રદ્ધા
ટંકારા શહેરની મધ્યે સાત સૈકા જુનુ નિલકંઠ મહાદેવનું મંદિર આવેલુ છે. શિવાલયમાં આવેલ શિવલીંગ સ્વયંભુ છે. સાત સૈકા પૂર્વે ખોદકામ કરતા શિવલીંગ પ્રગટ થયુ હતુ. શિવલીંગ જમીનમાંથી નિકળતા જમીન માલિકે પોતાની જમીન શિવમંદિર સ્થાપવા આપી દીધી હતી અને સમય જતા આસ્થાળુઓએ મંદિર બાંધ્યુ હતુ. શિવમંદિરના નિર્માણના બસો વર્ષ બાદ પડધરીના ઈંટાળા ગામેથી લક્ષ્મિનારાયણ ભગવાનને લાવીને ભોળાનાથની લગોલગ બિરાજમાન કરાયા હતા ત્યારથી જ બંને દેવો મંદિરનું નવિનીકરણ કરીને એક જ દેવાલયમાં બિરાજી રહ્યા છે. અનેક શ્રધ્ધાળુઓ અહિંયા બારે માસ આરાધના કરી શીશ ઝુકાવે છે. શિવલીંગ સ્વયંભુ હોવાનું જણાવતા મંદિરના મહંત નારણગીરી ગૌસ્વામી કહે છે કે, લગભગ 700 વર્ષ પૂર્વે અહિંયા ખુલી જમીનમાં ખોદકામ કરતી વખતે સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયા હતા જેથી તે વખતના જમીન માલિકે પોતાની જમીન મંદિરને અર્પણ કરી દિધી હતી. સમય વિતતા ભોળાનાથમાં શ્રધ્ધા ધરાવતા ભાવિકજનોએ યથાયોગ્ય યોગદાનથી શિવમંદિર બાંધ્યુ હતુ. મંદિર બન્યાના લગભગ બસો વર્ષ પછી પડધરી તાલુકાના ઈંટાળા ગામે ખેતરમાં પ્રગટ થયેલા લક્ષ્મિનારાયણ ભગવાને ટંકારાના સુથાર પરીવારના મોભીના સ્વપ્નમાં આવીને ટંકારામાં લક્ષ્મિનારાયણ ભગવાનની સ્થાપના કરવાનુ કહેતા ઈંટાળા ગામથી બળદગાડામાં લાવીને નિલકંઠ મહાદેવની બાજુમાં સ્થાપિત કર્યા હોવાની ધાર્મિક લોક વાયકા છે.
- Advertisement -
સમય વિતતા આજે અહિંયા વિશાળ દેવાલય બન્યુ છે અને હાલ નગરમાં લક્ષ્મિનારાયણ ગ્રામદેવ તરીકે પુજાય રહ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે, એક જ દેવાલયમાં મહાદેવ અને ગ્રામદેવ બાજુ બાજુમાં બિરાજી રહ્યા છે જેમાં મહાદેવની સેવાપુજા નારણગીરી ગોસ્વામી કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તેમની સતરમી પેઢી મહાદેવજીની સેવા પુજા કરી રહી છે જયારે લક્ષ્મિનારાયણ દાદાની સેવા પુજા સુથાર પરીવારના હરેશ ભગત કરી રહ્યા છે. તમામ ભાવિકજનો દેવાલયમાં શીશ ઝુકાવી સારા પ્રસંગો પાર પાડવાની મનોમન મંજુરી લેવાની માન્યતા છે. આજે પણ આસ્થા ધરાવતા લોકો ગ્રામદેવના શિખરની ટોચની ધ્વજાથી ઉંચા મકાન બનાવતા નથી.