જગત જનની માઁ અંબાના ધામમાં ઘટસ્થાપન સાથે દિવ્ય આરાધના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું મહત્વ અનોખું મહત્વ હોઈ છે અને શક્તિની આરાધના-ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય નવરાત્રી. આસો મહિનાની આ પાવન નવરાત્રીનો પ્રારંભ આજથી થયો છે. આ અવસરે હિમાલયથી પણ પુરાણા ગણાતા ગિરનાર પર્વત પર, જ્યાં એકાવન શક્તિપીઠો પૈકીની એક એવી મા અંબાજીની ઉદયન પીઠ આવેલી છે, ત્યાં સાધુ – સંતો અને પૂજારી તેમજ સાધકો દ્વારા અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પહાડ ઉપર કરવામાં આવતા જપ-તપનું અનેરું મહત્વ છે, અને તે અનેક ગણું ફળ આપનારું માનવામાં આવે છે. ગિરનાર પર આવેલા અનેક ધાર્મિક સ્થળોએ નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મા અંબાજી મંદિરના પૂજારીઓ અને બ્રહ્મલીન મહંતો મોટા પીરબાવા અને નાના પીરબાવાની પ્રેરણાથી તુષારગીરી, યોગેશગીરી, હિમાંશુગીરી અને અન્ય સંતો દ્વારા માતાજીનું અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. ગૌમુખી ગંગા ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુની પ્રેરણાથી પંચ અગ્નિ અખાડાના સચિવ બ્રહ્મચારી સંપૂર્ણાનંદ બાપુ અને ઉજ્જૈનના શ્રી મહંત શ્રી વિચિત્રાનંદબાપુ મા અન્નપૂર્ણાની આરાધના કરશે. આ ઉપરાંત, સાચા કાકાની જગ્યામાં મહંતશ્રી ગોકર્ણાનંદજી, આનંદ ગુફામાં શ્રી મહાદેવગરી બાપુ, મહાકાલી ગુફામાં શ્રી ભરતદાસ બાપુ, સીતાવનમાં શ્રી ભગવતીદાસ બાપુ, સેવા દાસની જગ્યામાં શ્રી બ્રહ્મદાસ બાપુ અને હનુમાનધારામાં વિશાલદાસ બાપુ સહિતના સંતો દ્વારા અનુષ્ઠાન ચાલી રહ્યું છે. પથ્થર ચટ્ટીની પ્રખ્યાત જગ્યામાં શ્રી તિરુપતિ બાલાજીના સ્વરૂપની નિશ્રામાં તેમના મહંતશ્રી હરીભાઈ અને યોગીભાઈ પઢીયાર સહીત સાધકો માતાજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે, જેમાં છેલ્લા બે વર્ષથી અમેરિકાથી આવતા પ્રજ્ઞેશભાઈ પટેલ પણ સામેલ છે. જટા શંકરની જગ્યામાં મહંતશ્રી પૂર્ણાનંદ બાપુ રાજરાજેશ્વરી પીઠ ખાતે દસ મહાવિદ્યાની આરાધના કરી રહ્યા છે.
- Advertisement -
વિશ્ર્વકલ્યાણ અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના
નવરાત્રીના આ શ્રેષ્ઠ દિવસો દરમિયાન દરેક સાધકો નવ દિવસ માતાજીને ધૂપ-દીપ-નૈવેદ્ય-આરતી-પ્રસાદ સાથે પૂજન કરશે. નવાહન મંત્ર અને શ્રી દુર્ગાસપ્તશતી (ચંડીપાઠ)નું વાંચન પણ કરવામાં આવશે. હવનાષ્ટમી એટલે કે આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડું હોમીને માં જગદંબા પાસે વિશ્ર્વકલ્યાણ, ભારત દેશ આત્મનિર્ભર અને સશક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવશે. આ સાથે જ, “હર ઘર સ્વદેશી… ઘર ઘર સ્વદેશી” મંત્રને ચરિતાર્થ કરી ભારત વિશ્ર્વગુરુ બને તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં વિશ્ર્વમાં પ્રવર્તમાન અશાંતિપૂર્ણ પરિસ્થિતિ શાંતિમય બને, અને આગામી દિવાળી તથા નવા વર્ષમાં સર્વેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. દેશની સરહદો પર દેશની રક્ષા કરતા વીર જવાનો માટે પણ વિશેષ પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -



