અંબાજી અને પાવાગઢમાં પહેલાં નોરતે જ મંગળા આરતીમાં માઇભક્તોનું ઘોડાપૂર, માતાજીના જયકારા સાથે મંદિર ગુંજી ઊઠ્યું
શક્તિપીઠ બહુચરાજીમાં માઁ બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ, વૈદિક મંત્રોચ્ચારની વાતાવરણ ગુંજી ઉઠ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે નવરાત્રિના પહેલા નોરતે જ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર પાવાગઢ અને મા અંબાના મંદિર અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. પાવાગઢ ખાતે આજે વહેલી સવારે 4:00 વાગ્યે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ અંબાજી મંદિરે સવારે 7:30 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે આજે પહેલાં નોરતે માતાજીના આશીર્વાદ લેવા આવેલા શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર પરોઢે 4:00 વાગ્યે ખોલી દેવામાં આવ્યા હતા. સવારના મંગળા દર્શનનો લહાવો લેવા રાત્રે પહોંચેલા માઇભક્તોએ માતાજીના જયકારા સાથે મંદિરમાં પ્રવેશતા જ મંદિર ગુંજી ઊઠ્યું હતું. શક્તિનું મહાપર્વ નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે. આસો સુદ એકમના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી સવારે 7:30 કલાકે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો આ મંગળા આરતીમાં જોડાયા હતા. વહેલી સવારથી મા અંબાનું મંદિર માઇભક્તોથી ઉભરાયું હતું. લાંબી લાંબી લાઈનો અને રેલિંગોમાં ભક્તો ઊભા જોવા મળ્યા હતા. મા જગતજનની અંબાનું ચાચર ચોક પણ માઇભક્તોથી ઉભરાયું હતું. શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિના આજે પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓની સામાન્ય ભીડ વહેલી સવારે જોવા મળી, પગપાળા ચાલીને આવેલા દર્શનર્થીઓ મધ્યરાત્રીએ જ તળેટીમાંથી માચી તરફ અને ત્યાંથી રેવા પથના માર્ગે મંદિર તરફ ચાલીને પહોંચ્યા હતા. વહેલી સવારે નિજ મંદિર ખૂલતા જ શક્તિદ્વાર સુધી લાઈનમાં લાગેલા માઈભક્તોએ માતાજીનો જયકારો કરતા પરોઢની નીરવ શાંતિમાં મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.
પાવાગઢમાં એક લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
શક્તિ, ભક્તિ અને આસ્થાના આ પર્વના પ્રારંભે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ગઈકાલ મોડીરાતથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પ્રથમ નોરતે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. વહીવટી તંત્રએ ભક્તોની સુવિધા માટે બસોની સંખ્યામાં વધારો કર્યો છે, તેમજ પોલીસ બંદોબસ્ત અને મેડિકલ સેવાઓની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ નવરાત્રિનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે માઁ બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું હતું.
- Advertisement -