સેન્સેક્સ પ્રારંભિક કામકાજમાં જ 650 પોઇન્ટ ગગડી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર સર્જવા લાગ્યો છે જેને પગલે શેરબજારમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ પ્રારંભીક કામકાજમાં જ 650 પોઇન્ટથી વધુ ગગડી ગયો હતો અને ગભરાટભરી વેચવાલી હતી.
કોરોનાના ઉદ્દગમ સ્થળ એવા ચીનમાં ફરી એક વખત કોરોના બેકાબૂ બન્યો છે અને સમગ્ર વિશ્વમાં એલર્ટના આદેશો થવા લાગ્યા છે. ચીન ઉપરાંત દુનિયાના અન્ય કેટલાક દેશોમાં પણ કોરોનાના કેસોમાં મોટો વધારો થયો છે. આ સ્થિતિને પગલે શેરબજાર વધુ એક વખત કોરોના ઇફેક્ટમાં સપડાયું હોય તેમ આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું.
ઓપરેટરો, ઇન્વેસ્ટરો તથા વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી નીકળી હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારતમાં ભલે કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોય પરંતુ વિશ્વના અન્ય દેશોમાં કોરોના મોઢુ ફાડે અને નિયંત્રણો લાગુ થવાના સંજોગોમાં વિશ્વભરના વેપાર-ધંધાને માઠી અસર થવાની આશંકાને કારણે ગભરાટ ઉભો થયો છે.ચીનમાં કેટલાક દિવસોથી કોરોના બેકાબૂ બની જ ગયો છે. ભારત પણ તેની ઝપટે ચડી શકે તેવી ભીતિનો ઇન્કાર થઇ શકતો નથી. આજે મંદી પાછળ મુખ્યત્વે કોરોનાનો ગભરાટ જ હોવાનું જણાય છે. શેરબજારમાં આજે પ્રારંભીક કામકાજમાં મોટા ભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. એશિયન પેઇન્ટસ, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, લાર્સન, મહિન્દ્ર, મારુતિ, નેસ્લે, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, ટીસીએસ, હિન્દાલકો સહિતના શેરોમાં ગાબડા હતા.