પાછલા એક વર્ષની અંદર બીસીસીઆઈએ અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે જેનાથી ભારતીય ક્રિકેટમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. ખાસ કરીને મહિલા ક્રિકેટમાં પહેલાં મહિલા અને પુરુષ ખેલાડીઓની મેચ ફી બરાબર કરવામાં આવી ત્યારપછી મહિલા આઈપીએલનું એલાન થયું અને હવે ફરીવાર ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે હવેથી રણજી ટ્રોફીમાં મહિલા અમ્પાયર્સને પણ કામ કરવાની તક મળશે. અત્યાર સુધી આવું પહેલાં ક્યારેય થયું નથી.
બીસીસીઆઈ ટૂંક સમયમાં જ મહિલાઓ માટે અમ્પાયરિંગ ટેસ્ટ કરાવશે જેના ડ્રાફ્ટ કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ મહિલાઓ ઘરેલું ક્રિકેટમાં અમ્પાયરિંગ કરતાં જોવા મળશે. જે ત્રણ મહિલાઓને ડ્રાફ્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે તે અત્યારે મેચો દરમિયાન સ્કોરર સહિતના અનેક પ્રકારના ઑફ ફિલ્ડ કામ કરી રહ્યા છે. રણજી ટ્રોફીમાં આ વર્ષે રમાનારી સીઝનમાં પણ તેઓ આ કામ કરશે.
- Advertisement -
આ ત્રણ મહિલાઓમાં વૃંદા રાઠી (મુંબઈ), જનની નારાયણ (ચેન્નાઈ) અને ગાયત્રી વેણુગોપાલન (ચેન્નાઈ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય રણજી ટ્રોફીની આ સીઝનમાં સ્કોરર સહિતનું કામ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડની અમ્પાયરિંગ ટેસ્ટ પાસ કરી લ્યે છે તો આવતાં વર્ષે મેદાનમાં અમ્પાયરિંગ કરતાં જોવા મળશે.
વૃંદા રાઠી મુંબઈના મેદાનો પર સ્કોરરનું કામ કરતા હતા. આ દરમિયાન તેઓ ન્યુઝીલેન્ડના આંતરરાષ્ટ્રીય અમ્પાયર કૈથી ક્રોસને મળ્યા જેમણે વૃંદાને અમ્પાયરિંગમાં હાથ અજમાવવાની સલાહ આપી હતી. જ્યારે ચેન્નાઈનની જનની નારાયણે અમ્પાયર બનવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. આ ઉપરાંત ગાયત્રી વેણુગોપાલ પણ ક્રિકેટર બનવા માંગતી હતી પરંતુ ખભાની ઈજાએ તેનું સ્વપ્ન રોળી નાખ્યું હતું.