– બે પ્લેઑફ સહિત 23 દિ’ દરમિયાન 22 મુકાબલા રમાશે: તમામ મુકાબલા સાંજે 7:30 વાગ્યાથી રમાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મુંબઈમાં મહિલા પ્રિમીયર લીગની હરાજી બાદ તેના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ ઉદ્ઘાટન સીઝનમાં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે જેમાં ગુજરાત જાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને યૂપી વોરિયર્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
લીગની પહેલી સીઝનમાં કુલ 20 મેચ અને બે પ્લેઓફ મુકાબલા રમાશે જે 23 દિવસમાં પૂર્ણ થશે. લીગની શરૂઆત ચાર માર્ચે ડી.વાય.પાટિલ સ્ટેડિયમ પર ગુજરાત જાયન્ટસ-મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલાથી થશે. તમામ મુકાબલા સાંજે 7:30 વાગ્યાથી રમાશે. પ્રિમીયર લીગનો ફાઈનલ મુકાબલો 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમ પર રમાશે.
બીજી બાજુ હરાજીની વાત કરવામાં આવે તો ભારતીય ટીમને શ્રેષ્ઠ બેટર સ્મૃતિ મંધાના સૌથી મોંઘી વેચાઈ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરી છે. જ્યારે બીજા નંબરે ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનરને ગુજરાત જાયન્ટસે 3.20 કરોડ રૂપિયામાં ખરીદ કરી છે. બીજી બાજુ ઈંગ્લેન્ડની નેટ સ્કીવર પણ 3.20 કરોડ રૂપિયામાં વેચાઈ છે જેને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કરી છે.
ભારતની દીપ્તી શર્મા અને જેમિમા રોડ્રિગ્સને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી છે. દિલ્હીએ દીપ્તિને 2.60 કરોડ અને જેમિમાને 2.20 કરોડમાં ખરીદ કરી છે. ઑસ્ટ્રેલિયાની એલિસ પેરીને બેંગ્લોરે 1.70 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી છે.