છોટા ઉદેપુરથી મંગાવ્યાની કબૂલાત : અગાઉ 3 ગુનામાં પકડાઈ ચુક્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા મેઈન રોડ ઉપર ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર લક્ષ્મીવાડીના શખ્સને ઝડપી લીધા બાદ પૂછતાછમાં વધુ એક સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તે બીસીએના છાત્રને પણ તમંચો અને 3 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ પૂછતાછ કરતા પોતે છોટા ઉદેપુરથી મંગાવ્યું હોવાની કબૂલાત આપી હતી.
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલ ફાયરિંગના બનાવમાં એક પછી એક આરોપી સુધી પોલીસ પહોંચી રહી છે દરમિયાન પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી પૂછતાછ કરતા અન્ય એક સપ્લાયરનું નામ સામે આવ્યું હતું જેથી તેને પકડવા એસઓજી પીઆઇ એસ એમ જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વી કે ઝાલા સહિતના પેટ્રોલિંગમાં હતા.
- Advertisement -
ત્યારે એએસઆઈ રાજેશ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે નવલનગરમાં રહેતા અને ક્રાઈસ્ટ કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતા ઋતુરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા ઉ.25ને અશોક ગાર્ડન પાસેથી દેશી બનાવટના તમંચા અને ત્રણ કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મંગળા રોડ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં પેંડા ગેગના જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબાને જે હથિયાર આપ્યું હતું તે છોટા ઉદેપુરથી મંગાવ્યું હતું જ્યારે તેની પાસેથી જે હથિયાર કબજે થયું હતું. તે ઋતુરાજસિંહ પાસેથી લીધાનું કહેતા એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે ઋતુરાજસિંહ વિરૂધ્ધ ગાંધીગ્રામ, માલવિયાનગર અને આજી ડેમ પોલીસ મથકમાં હુમલો અને રાયોટીંગના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે.



