નાગલપર ખાતે આવેલ આ સુરાપુરા દાદાના મંદિરની કમ્પાઉન્ડ વોલ જીઆઈડીસી દ્વારા તોડી પડાતા બાવળીયા પરિવારમાં આક્રોશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નાગલપર ખાતે બાવળીયા પરિવારના વર્ષો જૂનુ સુરાપુરા દાદાનું મંદિર આવેલું છે ત્યાં જીઆઈડીસી દ્વારા મંદિરની ફરતે આવેલી કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં આવતાં અને મંદિર તોડી પાડવાની નોટીસ અવારનવાર આપી દબાણ કરવામાં આવતુ હોય આજરોજ આ અંગે રણછોડભાઈ બાવળીયા સહિતનાઓએ કલેકટરને આ જમીન પાછી આપવા રજૂઆત કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સરકારની જંત્રી મુજબ પૈસા ભરવાની પણ તૈયારી બતાવી હતી. આમ આ વર્ષો જૂનું મંદિર જીઆઈડીસી દ્વારા તોડી પાડવામાં ન આવે તેવી રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતું કે બાવળીયા પરિવારના સુરાપુરા દાદા આશરે 800 વર્ષ જૂનું સદરહુ મંદિર આવેલ છે જેમાં સમય અંતરે મંદિરનું ર્જીણોદ્ધાર થતા હાલ સદરહુ મંદિરમાં ફરતે કમ્પાઉન્ડ વોલ તથા વૃક્ષો તથા પાણી માટે બોર અને પાકુ બાંધકામ આવેલુ છે અને આશરે 1,00,000થી 2,00,000 લાખ લોકોની આસ્થા આ મંદિર સાથે રહેલી છે. ધાર્મિક પ્રસંગે દર્શન કરવા માટે આવે છે આમ બાવળીયા પરિવારના દાદાનો ઈતિહાસ બારોટના ચોપડે નોંધાયેલો છે અને તે આશરે 800 વર્ષ જૂનો છે.
- Advertisement -
રાજકોટ કલેકટરના હુકમ નં. જમન-2 રાજકોટ -ફા.નં. 36/2020, તા. 19-6-2020થી નાગલપુર ગામની સરકારી રેવ. સર્વે નં. 223 પૈકી 1, પૈકી-1, પૈકી-1 જમીનમાંથી હે. 136-11-06 ચો.મી. જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા હેતુસર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ રાજકોટને શરતોને આધીન ફાળવેલી છે.
હુકમમાં લખેલી શરત નં. 15માં સ્પષ્ટ જણાવેલું છે કે સવાલવાળી જમીનમાં કોઈ સમાધિસ્થાન, ધાર્મિક મંદિર કે તળાવ આવેલું હોય તે યથાવત જાળવી રાખવાનું રહેશે છતાં પણ શા માટે આ મંદિર પાડવામાં આવી રહ્યું છે? શરત હોવા છતાં કલેકટરના હુકમનો અનાદર કરી નાયબ કાર્યપાલક ઈજનેર જીઆઈડીસી રાજકોટે તા. 29-2-2024ના રોજ કમ્પાઉન્ડ વોલનું બાંધકામ દૂર કરવા જણાવેલું છે આમ ખોટી રીતે ગેરકાયદેસર રીતે નોટીસ આપી છે. હાલ સદરહુ જમીન મંદિરની ફરત કમ્પાઉન્ડ વોલ આવેલી છે તે વોલ દૂર કરવા માટે જીઆઈડીસીના ઈજનેરે નોટીસ આપેલી છે જે ખરેખર ગેરકાયદેસર છે. આમ જમીનમાં લોકોની ધાર્મિક લાગણી, આસ્થા સમાયેલી છે જેથી મંદિરની ફરતે આવેલી કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં ન આવે તેવી માગણી કરવામાં આવી હતી.
ગોગા મહારાજના મંદિરે મેળા માટે જમીન મૂકવા માંગ
- Advertisement -
રાજકોટ તાલુકાના નાગલપર ગામે જીઆઈડીસીમાં ઐતિહાસિક મંદિર શ્રી ગોગા મહારાજનું આવેલું છે જયાં વર્ષોથી દાદાનો મેળો ભરાય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય જ્યાં નાગપંચમીનો મેળો ભરાતો હોય જે મેળાની જગ્યા છે તે જીઆઈડીસીમાં આવી જાય તો જે લાખો લોકો મંદિરે આવે છે તેઓને સમાવેશ કઈ રીતે થઈ શકે, છેલ્લાં 77 વર્ષથી રસ્તાની સમસ્યા તો છે જ પણ હવે મંદિરના કબજામાં જે જમીન છે તે પણ જીઆઈડીસીમાં જવાથી લોકોને પારાવાર હેરાનગતિ થવાની પૂરતી શક્યતા છે. જો આ જમીન જ નહીં રહે તો વાહનોનો સમાવેશ સ્ટોલનો સમાવેશ લોકોનો સમાવેશ અને ફજર-ફાળકાનો સમાવેશ કઈ જગ્યાએ કરવો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા 600 વર્ષથી આ જમીનનો કબ્જો મંદિર પાસે છે તો આ જમીન મંદિરને આપવા વિનંતી છે. જો જમીન જ નહીં હોય તો અહીં આવતા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હેરાનપરેશાન થઈ જશે અને જીઆઈડીસીના રોડ રસ્તાનો ઉપયોગ કરશે તો મંદિર અને જીઆઈડીસીને અલગ અલગ રાખવામાં આવે અને આ જમીન મંદિરને ફાળવવામાં આવે જેથી આવનારી પબ્લિકનો સમાવેશ થઈ શકે તેવી પણ માંગ કરવામાં આવી છે.
સુરાપુરા દાદા હમીરબાપાના મંદિરની જગ્યા અન્ય સ્થળે ફાળવી આપો
મુંધવા કુટુંબના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવામાં આવી છે કે શ્રી સુરાપુરા દાદા હમીરબાપા તરીકે ઓળખાતું મંદિર આવેલું છે જે આશરે 550 વર્ષ વડવા નાગલપર ગામે ખાંભી તરીકે મુંધવા પરિવારના જુદા જુદા ગામોમાં લગભગ 21 જેટલા ગામના મુંધવા પરિવાર મંદિરે આસ્થા ધરાવે છે અને ધાર્મિક પ્રસંગો તથા વર્ષમાં એક વાર તો દર્શન કરવા માટે આવે છે તેમજ દાદાની માનતા માનવામાં આવે છે આમ મુંધવા પરિવારના દાદાનો ઈતિહાસ બારોટના ચોપડે નોંધાયેલો છે અને તે આશરે 550 વર્ષ જૂનો છે. આમ અમારા પરિવારના દાદાનું મંદિર આવેલું છે ત્યાં હાલ જીઆઈડીસીને મંજૂરી મળેલી હોય અને તેના તરફથી મંદિર ફરતે આવેલી કમ્પાઉન્ડ વોલ તોડવાની નોટીસ આપેલી હોય જેથી પરિવારના દાદાનું મંદિર તોડવામાં આવે તો તેમાં અમારા પરિવારજનોની આસ્થાને ઠેસ પહોંચે તેમ હોય જેથી ઉપરોક્ત મંદિર પાડવામાં આવે તો આપ તરફથી અમારા દાદાનું મંદિર માટે અન્ય કોઈ સ્થળ (જગ્યા) ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.