આ હરકતને રમત ભાવનાની વિરુદ્ધમાં ગણાવી: સ્ટોક્સે કહ્યું, ઑસ્ટ્રેલિયા જે રીતે જીત્યું તે રીતે અમે ક્યારેય જીતવા નહીં માંગીયે: બ્રોડની કમીન્સ અને કેરી સાથે ચડભડ
એશેઝ શ્રેણીના લૉર્ડસ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની જીત કરતા અનેક ગણી વધુ યજમાન ઈંગ્લેન્ડ ટીમના બેટર જૉની બેરિસ્ટોના આઉટ થવાનો વિવાદ ચર્ચા જગાવી રહ્યો છે. ઑસ્ટ્રેલિયાના વિકેટકિપર એલેક્સ કેરીએ ટેસ્ટના અંતિમ દિવસે જે અંદાજમાં બેરિસ્ટોને આઉટ કર્યો તેની ઈંગ્લીશ ટીમના કેપ્ટન સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ ટીકા કરી હતી અને તેને રમતની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું હતું.
- Advertisement -
સ્ટોક્સે કહ્યું હતું કે, તે આ પ્રકારે ક્યારેય પણ મેચ જીતવા માંગશે નહીં. બીજી બાજુ બ્રિટનના ભારતીય મુળના વડાપ્રધાન ઋષિ સુનક પણ આ મામલે સ્ટોક્સના પક્ષમાં ખુલીને સામે આવ્યા છે.
બ્રિટનના વડાપ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, શું ઑસ્ટ્રેલિયન ટીમના આ કૃત્યને તેઓ રમતની ભાવના કરતા વિપરિત માને છે ? આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે હા, વડાપ્રધાન આ મામલે બેન સ્ટોક્સ સાથે સહમત છે જેમણે કહ્યું હતું કે જે રીતે ઑસ્ટ્રેલિયાએ મેચ જીતી છે એ પ્રકારે તેઓ ક્યારેય પણ જીતવા માંગશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનક શનિવારે લોર્ડસ મેદાન પર એશેઝની બીજી ટેસ્ટ મેચ જોવા માટે આવ્યા હતા. તેણે મેરિલેબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના અમુક સભ્યો દ્વારા ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સાથે લૉન્ગ રૂમમાં કરાયેલા દુર્વ્યવહારની પણ ટીકા કરી હતી. બેરિસ્ટોના આઉટ થવાની આ ઘટના બાદ ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના સંબંધોમાં ખટાશ પણ આવી ગઈ છે.
- Advertisement -
ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની આ અંગે એલેક્સ કેરી સાથે તું તું મેં મેં પણ થઈ હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં બ્રોડ કેરીને એવું કહેતો સંભળાયો હતો કે તમને માત્ર આ જ હરકત માટે યાદ રાખવામાં આવશે. આ ઉપરાંત બ્રોડે ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમીન્સ પર ભડાશ કાઢતા કહ્યું હતું કે મેં ક્રિકેટમાં આના કરતા ખરાબ વસ્તુ ક્યારેય જોઈ નથી.