સસ્તા અનાજના દુકાનદારનું બીજીવાર કૌભાંડ
અંકુરનગરમાં સસ્તા અનાજના દુકાનદાર પાસેથી 9 ગુણી ઘઉં-ચોખા ઝડપાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પીડીએમ કોલેજ નજીક ગોકુલધામ પાસે અંકુરનગર મેઇન રોડ ઉપર આવેલી સસ્તા અનાજની દુકાનમાં દક્ષિણ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે મળી સરકારી ઘઉં-ચોખા વેચવાનું કારસ્તાન પકડાયું છે. જિલ્લા પુરવઠા અધિકારી કચેરીના નાક નીચે જ ચાલતા આ કૌભાંડથી ચકચાર મચી જવા પામી છે. અંકુરનગર મેઇન રોડ ઉપર આવેલ સસ્તા અનાજના દુકાનદાર ગોપાલ મનસુખભાઈ અમૃતિયા નામના વેપારી દ્વારા ગત મહિને રૂપિયા 80 હજારની કિંમતના 114 ગુણી ઘઉં અને ચોખા પકડાયા બાદ બીજી વખત પણ 9 ગુણી ઘઉં-ચોખા બારોબાર વેચતા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. ગત મહિને પકડાયા બાદ બીજીવાર આવુ નહીં કરવાની શરતે લોકોએ છોડી દીધો હતો.
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રેશનીંગ દુકાનદાર ગરીબ, વિધવા અને અશક્ત લોકોને દર મહિને સરકાર દ્વારા આપવામાં આવતા મફ્ત અનાજ સિવાય કોઈ જથ્થાનું વિતરણ કરવામાં ન આવતું હોવાની ફરિયાદ વડી કચેરીને કરવામાં આવ્યા બાદ પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. બારોબાર અનાજ વેચતા પકડાયેલા વેપારીએ દક્ષિણ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના ત્રણ અધિકારીઓને હપ્તા આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારને અનાજ પુરવઠાની વધુ ફાળવણી કરવામાં આવતા આ જથ્થાનું તે બારોબારથી વેચાણ પણ કરી નાખતો હતો. દુકાનદારે એવી પણ કેફિયત આપી હતી કે, દર મહિને માત્ર 10,000 રૂપિયાનું જ કમિશન મળતું હોવાથી ઘઉં અને ચોખાનો જથ્થો વધુ મળતા કરિયાણાના વેપારીને આ જથ્થો વહેંચવામાં આવ્યો છે.
- Advertisement -
પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દોશી હોસ્પિટલ પાસે આવેલ સસ્તા અનાજના દુકાનદાર બારોબાર અનાજનું વેચાણ કરતા હોવાનું માલુમ પડયા બાદ પુરવઠા વિભાગની એક ટીમ દુકાન ખાતે તપાસ કરવા પહોચી ગઈ હતી. પરંતુ દુકાન બંધ હોવાથી પરત આવી ગઈ હતી. મહત્વની વાત એ છે કે, રેશનિંગનો દુકાનદાર અગાઉ જ્યારે ઘઉં અને ચોખાનો જથ્થો બારોબાર વેચવાના કૌભાંડમાં ઝડપાયો હતો. ત્યારે તેને શા માટે પણ સજા કરવામાં આવી ન હતી? બીજી વખત આ પ્રકારે વેચાણ નહીં કરે તેવી શરતે ફરી વખત આ રેશનીંગના દુકાનદારને ઘઉં અને ચોખાના જથ્થાના વેચાણ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી.