લોકોએ સલાહ આપી કે ભણવામાં કાંઈ ઉકાળે એવો નથી એટલે તમારી સાથે એમ્બ્રોડરીના કામમાં જોડી દે તો તમને પણ આર્થિક ટેકો થાય પણ પિતાનું મન દીકરા પાસે મજૂરી કરાવવા તૈયાર નહોતું.
શૈલવાણી
-શૈલેષ સગપરિયા
સુરતમાં એમ્બ્રોડરીનું કામ કરતા યોગેશભાઈ જોશીનો દીકરો પુનિત ભણવામાં બહુ નબળો હતો. 2013માં ધો.10ની બોર્ડની પરીક્ષામાં પુનિત ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થયો. બીજી ટ્રાય આપી તો એમાં વિજ્ઞાનમાં પાસ થઈ ગયો પણ ગણિતમાં ફરીથી નાપાસ થયો. દરેક પિતાને થાય એમ યોગેશભાઈને પણ ચિંતા થવા લાગી કે હવે આ દીકરાનું શુ થશે ? કેટલાક લોકોએ સલાહ આપી કે ભણવામાં કાંઈ ઉકાળે એવો નથી એટલે તમારી સાથે એમ્બ્રોડરીના કામમાં જોડી દે તો તમને પણ આર્થિક ટેકો થાય પણ પિતાનું મન દીકરા પાસે મજૂરી કરાવવા તૈયાર નહોતું.
પુનિતના ફૂવા તુષારભાઈ વ્યાસ ગોંડલમાં રહે. ગુજરાતી ભાષાના ઉત્તમ શિક્ષકની સાથે સારા લેખક અને વક્તા પણ ખરા. એમને જ્યારે આ વાતની ખબર પડી તો એમણે પુનિતને પોતાને ત્યાં ગોંડલ જ બોલાવી લીધો. ફુવાને ત્યાં રહીને પુનિત ધો.10ના ગણિત વિષયની તૈયારીમાં લાગી ગયો. તુષારભાઈ ખૂબ સારા વાંચક એટલે એના ઘરમાં ખૂબ પુસ્તકો. ફુવાને વાંચતા જોઈને પુનિતને પણ પુસ્તક વાંચવાનું ઈચ્છા થઈ. પછી તો વાંચનનો એવો ચસ્કો લાગ્યો કે એક પછી એક પુસ્તક વંચાવા લાગ્યા.
- Advertisement -
ગોંડલથી સુરત આવીને બોર્ડની પરીક્ષા આપી અને ગણિતમાં પણ પાસ થઈ ગયો. વાંચનનો શોખ જાગૃત થવાથી આર્ટ્સમાં આગળ વધવાનું નક્કી કર્યું. ધો.11માં આર્ટસ રાખ્યું. જે ભણતર પુનિતને ભારરૂપ લાગતું હતું એ જ ભણતર હવે એના માટે મોજ બની ગયું. વાંચનનો ચસ્કો લાગવાથી વિચારો અને જીવન બંને બદલાઈ ગયાનો અનુભવ કર્યા પછી પુનિતે નક્કી કર્યું કે મારે સુરત વાસીઓને પણ વાંચતા કરવા છે. 18 વર્ષના આ છોકરાએ દર મહિનાના પહેલા રવિવારે ’પુસ્તક પરબ’ ચાલુ કરી જેમાં લોકોને વાંચવા માટે પુસ્તકની વિનામૂલ્યે વહેંચણી કરે.
જે છોકરો દસમા ધોરણમાં બે ટ્રાય પછી પાસ નહોતો થઈ શક્યો એ છોકરો 12માં ધોરણમાં એની સ્કૂલમાં બીજા નંબરે આવ્યો. ગુજરાતી સાહિત્યમાં રસ પડતો હતો એટલે ગુજરાતી વિષય સાથે આર્ટ્સ લીધું અને કોલેજ શરૂ થઈ. કોલેજકાળ દરમિયાન ઘણા વિક્રમો સ્થાપિત કર્યા અને અનેક પુરસ્કારો પણ મેળવ્યા. ચારણી સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એ દિશામાં આગળ વધ્યો. બી.એ. બાદ એમ.એ. પણ આ વર્ષે પૂરું થઈ જશે અને પછી પીએચડી શરૂ કરશે. પુનિત જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે યુવાનો એના વાક્ પ્રવાહમાં રસતરબોળ થઈ જાય. જે છોકરો ત્રણ પ્રયત્નો પછી માંડ માંડ બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો હતો એનું ઘર હવે મેડલ અને એવોર્ડથી ઉભરાઈ રહ્યું છે.
- Advertisement -
મિત્રો, અત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામની સિઝન છે. કોરોનાની કૃપાથી પાસ તો બધા થઈ જ ગયા છે પણ પરિણામ અપેક્ષા મુજબનું ન હોય તો ચિંતા ન કરવી. આપણે કે આપણું સંતાન પુનિત જોશી જેવા નબળા તો નથી જ. જો એ આટલો આગળ વધી શકે તો આપણે કે આપણું સંતાન કેમ પાછળ રહીએ?