ખાસ-ખબર ન્યૂઝ વલસાડ
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- Advertisement -
રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જે હજી પણ ન ઓસરતાં મનપાની કામગીરીની પોલ છતી થઇ છે. બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર સાથે બે કાંઠે થઇ છેય અંબીકા નદી પર આવેલો મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. જેને લઇને નયનરમ્ય દ્રશ્ર્ય જોવા મળ્યા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં ભારે વરસાદને કારણે સાયલી બાલદેવી રોડ પર નવીનીકરણ કામ ચાલી રહ્યુ છે. મહાદેવ મંદિર નજીક કોતર પર બનાવવામાં આવી રહેલ પુલ ધોવાઈ જતા થોડે દૂર બેરેક મૂકી દઈ રસ્તા પરથી વાહન વ્યવહાર હાલમા બંધ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. આગામી 3 કલાક વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીની પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા શહેરને અડીને આવેલા સુપા-કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કારણે આજુબાજુના 5 ગામના લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે 10 કિલોમીટરનો વધારાનો માર્ગ કાપવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી સુપા-કુરેલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઊંચો બ્રિજ બનાવવાની માંગણી કરી છે. જોકે, આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસા દરમિયાન દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.