ઇમિગ્રેશન પોલીસે કહ્યું- કોઈ સ્પેશિયલ પરવાનગી નથી, ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.2
બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે માન્ય પાસપોર્ટ અને વિઝા સાથે ભારત જતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર અટકાવી દીધા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત જઈ રહ્યા હતા. આ અંગે ઈમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા છતાં તેમની પાસે સરકારની ખાસ પરવાનગી નહોતી. બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના એક અધિકારીએ ડેઈલી સ્ટાર અખબારને જણાવ્યું – અમે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સાથે વાત કરી. જ્યાંથી અમને ઇસ્કોનના સભ્યોને સરહદ પાર ન કરવા દેવાની સૂચના મળી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓનો સમૂહ ભારત જવા માટે બેનાપોલ બોર્ડર પર પહોંચ્યો હતો. તેઓ બેનાપોલ ખાતે સરહદ પાર કરવા માટે કલાકો સુધી રાહ જોતા હતા, પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે આમ કરવાની પરવાનગી નથી.
- Advertisement -
ઈસ્કોનના સભ્ય સૌરભ તપંદર ચેલીએ કહ્યું- અમે ભારતમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ સરકારની પરવાનગી ન હોવાનું કારણ આપીને અમને અટકાવી દીધા. અત્યાર સુધીમાં ઇસ્કોનના ચાર સભ્યોની ધરપકડનો દાવો બીજી તરફ કોલકાતા ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 4 ઈસ્કોન સભ્યોની ધરપકડનો દાવો કર્યો છે. ચાર હિન્દુ પૂજારીની તસવીર પોસ્ટ કરતા રાધારમણ દાસે લખ્યું- શું તેઓ આતંકવાદીઓ જેવા દેખાય છે? આ તમામની બાંગ્લાદેશ પોલીસે કોઈ કારણ વગર ધરપકડ કરી છે. જો કે, ચિન્મય પ્રભુ સિવાય, બાંગ્લાદેશ દ્વારા હજુ સુધી અન્ય ઈસ્કોન સભ્યોની ધરપકડ કે અટકાયત અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.