ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સરગવાડા ગામે દરોડો પાડી ’બંગલા ગેંગ’ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને વિપુલ પ્રમાણમાં હથિયારો અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા છે.
તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એફ.બી. ગગણીયાની ટીમને બાતમી મળી હતી કે ગુજસીટોક અને અન્ય ગંભીર ગુનાના નાસતા-ફરતા આરોપીઓ સરગવાડા ગામે કમલેશ લખમણભાઈ ભારાઈના મકાનમાં છુપાયેલા છે. આ હકીકતને આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી કમલેશ લખમણભાઈ ભારાઈ, વિશાલ કાનાભાઈ ભારાઈ અને જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ જયપાલ ખોડાભાઈ બઢ અને ભરત ખોડાભાઈ બઢ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ હથિયારોનો જથ્થો “બંગલા ગેંગ” ના મુખ્ય આરોપીઓ ભાવિન ખોડા બઢ અને લાખા સાંગા હુણે મંગાવ્યો હતો. આ આરોપીઓ વિરુદ્ધ કોર્ટે વોરંટ ઈસ્યુ કરેલા હોવાથી, જો પોલીસ તેમને પકડવા આવે તો પોલીસ પર ફાયરિંગ કરી નાસી છૂટવાનો તેમનો ખતરનાક ઈરાદો હતો, જે પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના હથિયાર અને તમંચા 5 નંગ, જીવતા કારતૂસ 96 નંગ અને હથિયાર સફાઈના સાધનો, છરી અને મોબાઈલ ફોન જેની કુલ કિમંત રૂ. 50,800 સાથે દબોચી લીધા હતા હાલ પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને નાસી છૂટેલા ચાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.



