તૈયારીની સમીક્ષામાં યોગી આદિત્યનાથની જાહેરાત
મહાકુંભ 2025ની તૈયારીઓની સમીક્ષા કરવા રવિવારે પ્રયાગરાજ આવેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાની હદમાં મહાકુંભ દરમિયાન માંસ અને દારૂનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
અખિલ ભારતીય અખાડા પરિષદનાં પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ આ મોટી જાહેરાત કરી છે. અખાડાના સંતો અને ઋષિઓ લાંબા સમયથી આની માંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન મુખ્યમંત્રીએ મેળા ઓથોરિટી ઓફિસ ખાતે મહાકુંભ 2025 નો લોગો, વેબસાઈટ અને મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે પ્રયાગરાજમાં મહાકુંભનો લોગો લોન્ચ કર્યો હતો, આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યાં હતાં.
આઇટ્રીપલસીમાં મહાકુંભના કામોની સમીક્ષા દરમિયાન, મુખ્યમંત્રીનું સંપૂર્ણ ધ્યાન બાંધકામના કામો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા પર હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે જે પણ મોટાં બાંધકામો ચાલી રહ્યાં છે તે 10 મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો અમારો પ્રયાસ હોવો જોઈએ. અમારો પ્રયાસ 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનો રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના રહેવાસીઓને હોમ સ્ટેની વ્યવસ્થા કરવા અને અતિથિ દેવો ભવનો સંદેશ દેશ અને દુનિયામાં ફેલાવવાની અપીલ કરી હતી.
સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યું કે 2019 માં છેલ્લી વખત કરવામાં આવેલાં પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે યુનેસ્કોએ પ્રયાગરાજ કુંભને માનવતાનાં અમૂર્ત વારસા તરીકે માન્યતા આપી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે આ વખતે પ્રયાગરાજ કુંભને વૈશ્વિક સ્તરે પણ એવી જ ઓળખ મળે.