નિયમનો ભંગ કરનારને ₹500નો દંડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા પંચાયતની બિલ્ડિંગનું સમારકામ ચાલતા હાલમાં કચેરીને જૂની કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. આ નવા પરિસરમાં પાન-મસાલા ખાઈને ગંદકી કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓ પર દંડનો કોરડો વીંઝવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા આ પરિસરમાં પાન-ફાકી ખાવા અને ગમે ત્યાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનારને ₹500નો દંડ ફટકારવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ સાથે જ, જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર પાછળ થયેલા ₹84 લાખના ખર્ચના વિવાદની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીડીઓએ આ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને તેને 15 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. ડીડીઓના જણાવ્યા મુજબ, જો તપાસમાં કોઈ ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કયા પ્રકારની કાર્યવાહી થશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. સ્થળાંતરના ખર્ચ પૈકી ₹17 લાખની ચુકવણી નિયમાનુસાર થઈ હોવાનું જણાવાયું છે. આ અંગેની દરખાસ્ત કારોબારી સમિતિમાં પણ મૂકવામાં આવી હતી. જોકે, સફાઈ કે અન્ય કોઈ બિલ રજૂ થયા નથી. સમગ્ર ખર્ચની સંપૂર્ણ તપાસ કરવામાં આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



