સરકારી શિક્ષકોને મળી મોટી રાહત: 19 રણ બસશાળાઓમાં 38 ગ્રેજ્યુએટ યુવાનોની માસિક રૂ. 7,000ના પગારે થશે નિમણૂક
શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા ગાંધીનગરથી લેવાયો મહત્વનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે કાર્યરત ‘રણ બસશાળાઓ’માં હવે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સરકારી શિક્ષકોએ રણની વિષમ પરિસ્થિતિઓમાં જઈને બાળકોને ભણાવવું પડતું હતું, જેના કારણે મૂળ શાળાઓમાં શિક્ષકોની ઘટ ઊભી થતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે હવે 19 રણ બસશાળાઓમાં 38 ગ્રેજ્યુએટ ’બાલમિત્રો’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અને મુશ્કેલીઓનો અંત ખારાઘોડા અને
ઝીંઝુવાડા રણમાં કાર્યરત કુલ 19 બસશાળાઓમાં 426 બાળકો અભ્યાસ કરે છે. સરકારી શિક્ષકો માટે ધૂળની ડમરીઓ અને ખરાબ રસ્તાઓ વચ્ચે મોટરસાયકલ પર રણમાં પહોંચવું અતિ મુશ્કેલ અને જોખમી હતું. બીઆરસી શિવુભા ચાવડા અને અન્ય પદાધિકારીઓની રજૂઆત બાદ ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સચિવ શિલ્પાબેન પટેલ અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરે આ દરખાસ્તને મંજૂરી આપી છે. સ્થાનિક યુવાનોને રોજગારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આ નિર્ણયથી રણકાંઠા વિસ્તારના બેરોજગાર ગ્રેજ્યુએટ યુવાનોને રોજગારીની તક મળશે. આ યુવાનો રણની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી અગરિયા બાળકો સાથે સરળતાથી હળીમળી શકશે. બીજી તરફ, સરકારી શિક્ષકો જે તે ગામની શાળાઓમાં હાજર રહી શકશે, જેથી ગામના અન્ય બાળકોના શિક્ષણ પર પણ વિપરીત અસર નહીં પડે. આ નવી વ્યવસ્થાથી અગરિયા બાળકોને સ્થિર અને નિયમિત શિક્ષણ મળી રહેશે.



