લાંબા સમય સુધી ફરાર રહેલા આરોપીને મુક્ત કરવાથી પુરાવા સાથે છેડછાડ અને ટ્રાયલમાં વિલંબની ભીતિ દર્શાવી સ્પેશિયલ કોર્ટે જામીન ફગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં જમીનો પચાવી પાડવા, બોગસ દસ્તાવેજો બનાવવા અને ધાક-ધમકી આપી મારામારી કરવા જેવા ગંભીર સંગઠિત ગુનાઓ આચરતી રમેશ રાણા મકવાણાની ટોળકીના સાગ્રીત ભરત દાનાભાઈ મુછડીયાની રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ અદાલતે રદ કરી દીધી છે. આ કેસની હકીકત મુજબ, વર્ષ 2023માં ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.આર. ભરવાડ દ્વારા આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (ૠઈઝઘઈ) હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ટોળકી છેલ્લા 10 વર્ષથી રાજકોટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સંગઠિત અપરાધો આચરીને આતંક મચાવતી હતી. ટોળકીના મુખ્ય સૂત્રધાર રમેશ રાણા મકવાણા વિરુદ્ધ 14, હીરા પમા સાગઠીયા વિરુદ્ધ 3 અને ભરત મુછડીયા વિરુદ્ધ 6 જેટલા ગુનાઓ અગાઉથી નોંધાયેલા હતા.
આ ગુજસીટોક હેઠળના ગુનામાં મુખ્ય આરોપી રમેશ રાણા અને હીરા સાગઠીયાની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે ભરત દાનાભાઈ મુછડીયા લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહ્યો હતો. આખરે પોલીસ દ્વારા ગત 6 ઓક્ટોબર 2025ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલમાંથી આરોપી ભરત મુછડીયાએ જામીન પર મુક્ત થવા માટે અદાલતમાં અરજી કરી હતી. આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે આ કેસના અન્ય સહ-આરોપીઓ તેમજ ગેંગ લીડર રમેશ રાણા મકવાણાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, તેથી સમાનતાના ધોરણે તેને પણ જામીન મળવા જોઈએ.
સામે પક્ષે સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર ભગીરથસિંહ ડોડીયાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી સને 2023થી અત્યાર સુધી પોલીસ પકડથી દૂર રહી ફરાર રહ્યો હતો. જો આવા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરીથી નાસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વધુમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે આરોપી વિરુદ્ધ હજુ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. જો તેને મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને ધાક-ધમકી આપી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને ટ્રાયલ ચાલવામાં વિલંબ ઊભો કરી શકે છે. સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અદાલતે સરકાર પક્ષની આ તમામ ગંભીર દલીલો અને કાયદાકીય પાસાઓને ધ્યાને લઈ આરોપી ભરત મુછડીયાની જામીન અરજી ફગાવી દીધી છે.



