આરોપીઓએ આચરેલો ગુનો ખૂન અને કેન્સર કરતાં પણ ગંભીર છે – એડવોકેટ સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર અદિતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના પ્રમુખ જગદીશસિંહ જાડેજા સહિતના 14 તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરૂદ્ધ આર.ડી.સી. બેંકમાંથી લીધેલી લોનની રકમ રૂા. 29,59,50,000 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તેમાંથી રકમ રૂા. 12,77,84,732 પોતાના તથા સગા- પરીવારના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ખોટા હિસાબો બનાવી, બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી ગુન્હો આચરનાર આરોપીઓ પૈકી પ્રમુખ જગદીશસિંહ સજુભા જાડેજા તથા મંત્રી સાગર ખીમજીભાઈ મોલીયાએ ચાર્જશીટ પહેલાં કરેલી જામીન અરજી સેશન્સ અદાલતે રદ કર્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીઓ પરત ખેંચ્યા બાદ આ બંનેએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજીઓ રાજકોટના એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો આરોપીઓએ ગુન્હાહીત કાવત્રુ રચી શ્રી અદિતિ કો.ઓપ. સોસાયટી લી.માં જોડાયેલ સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલી ન હોવા છતાં અને મંડળીમાં રોકડ વ્યવહાર પ્રતિબંધિત હોવા છતાં મંડળીમાં સભાસદોએ રોકડમાં લોનો ભરપાઈ કરી દીધેલી સંબંધેની 68 સભાસદોની પહોંચો તથા મંડળીના એન.ઓ.સી. મંડળીએ બેંકમાં રજૂ કરી આવા સભાસદોની લોન વખતે જામીનગીરીમાં રજૂ થયેલા અસલ દસ્તાવેજોની ફાઈલો બેંકમાંથી છોડાવી ગયા બાદ પણ મંડળીએ આવા સભાસદોની તા. 28-2-2022ની સ્થિતિએ મંડળી પાસે લોનની બાકી રકમ રૂા. 8,22,39,436 તથા તેનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી કરોડોના અનેક રોકડ વ્યવહારો કરેલા ઉપરાંત ત્રણ સભાસદોની મંડળીની લોન પેટે જમાન કરેલી વસુલાતની પહોંચો મુજબની રકમ મંડળીના રોજમેળમાં રૂા. 16,89,988 ઓછી જમા લઈ પહોંચોમાં છેડછાડ કરી તથા રક્ષિત પગારદાર સભ્યોને ધીરાણ આપવા સભ્યો દ્વારા આપવામાં આવતા સહકારી કાયદાની કલમ 50 અન્વયે ખોટા કબુલાતનામા ઉભા કરી સંસ્થાઓના ખોટા સીક્કાઓ મારી અધિકારીઓની ખોટી સહીઓ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી પાંચ સભ્યોના નામે ધીરાણ ઉપાડી બેંક સાથે રૂા. 72,07,727ની છેતરપિંડી કરી ઉપરાંત મંડળીમાં રહેલી એન.પી.એ. જોગવાઈ ફંડ ખાતે રૂા. 56,02,241 તથા મંડળીમાં શકમંદ લેણા અનામત ફંડ ખાતે રહેલી રકમ રૂા. 12,05,434 બંને મળી રકમ રૂા. 68,07,675નું મંડળીનું ફંડ મંડળીના જવાબદારોએ તેના અંગત તથા સંબંધીઓના લોન ખાતામાં રકમ જમા કરી લઈ ભંડોળની રકમોનું મંડળીના પેટા નિયમ, બેંક લોનની શરતો અને નિયમોનો ભંગ કરી અને ઉચાપત કરી ઉપરાંત મંડળીના સભાસદોના પગારના કબુલાતનામા આપી રક્ષીત ધીરાણ મેળવનારને રકમ આપવા મંડળીએ સી.સી. ટાઈપની બેંકમાંથી લીધેલી રકમ તા. 28-2-2022ની સ્થિતિએ રકમ રૂા. 2,98,39,906 તથા તેના ઉપરનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી મંડળીનું બેંકમાં આવેલ રક્ષીત લોન ખાતામાં બેંકના રૂા. 16,15,44,951 તથા મોર્ગેજ લોનના ખાતામાં રૂા. 13,44,05,119 એમ બંને લોનની રકમ મળી કુલ રકમ રૂા. 29,59,50,070 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તે રકમમાંથી રૂા. 12,77,84,732 બેંક લોન ખાતામાં જમા ન કરાવી આરોપીઓએ પોતાના તથા સગા પરીવારના અંગત આર્થિક લાભ માટે તેઓના લોન ખાતામાં જમા કરાવી ગુન્હાહીત ઉચાપત કરી વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવી તે બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવી બેંકના તપાસ કરનાર અને ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરનાર વિરૂદ્ધ આર.ડી.સી. બેંકના મેનેજર (વીજીલન્સ) દ્વારા ગાંધીગ્રમ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.
એફ.આઈ.આરમાં જણાવેલ આરોપીઓ પૈકી અદિતિ મંડળીના પ્રમુખ જગદીશસિંહ સજુભા જાડેજા તથા મંત્રી સાગર ખીમજીભાઈ મોલીયા દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરેલી, તે રદ થતાં તે સામે નામદાર હાઈકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ પછી રાજકોટની સેશન્સ અદાલતમાં બંને આરોપીઓએ અલગ અલગ જામીન અરજીઓ દાખલ કરેલી હતી. જેમાં સરકાર તરફે તથા બેંકના એડવોકેટ દરજજે એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા લેખિત વાંધાઓ રજૂ કરી રજૂઆતો કરેલી કે આરોપીઓએ સમાન ઈરાદો બર લાવવા એકબીજા મિલાપી જઈ પ્રથમથી જ પૂર્વયોજીત કાવત્રુ રચી બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રૂા. 29,59,50,070 બેંકમાં જમા ન કરાવી તેમાંથી રૂા. 12,77,84,732 આરોપીઓએ પોતાના તથા સગા, પરીવારના ખાતાઓમાં જમા લઈ પબ્લીકના નાણાંનો દુર્વ્યય કરી પ્લાનીંગપૂર્વક ઈકોનોમિક ઓફેન્સ આચરેલ છે, ગુન્હાના કામે પ્રીપરેશન એક્ટ અને નોલેજની હાજરી છે, પબ્લીક મની છે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઈકોનોમિક ઓફેન્સને કેન્સર તથા ખૂન કરતાં પણ ગંભીર ગણાવેલી છે, ઈકોનોમિક ઓફેન્સ અર્થતંત્રની ગંભીર બીમારી બતાવેલ છે વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો કરી નામદાર હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી જામીન અરજી નામંજૂર કરવા રજૂઆતો કરી હતી.
- Advertisement -
તમામ પક્ષેની રજૂઆતો, ત.ક. અધિકારીનું સોગંદનામુ તથા મુળ ફરિયાદપક્ષેના વાંધાઓ તથા રેકર્ડ પરના દસ્તાવેજો લક્ષે લેતાં બંને અરજદારોનું એફ.આઈ.આર.માં નામ છે અને મંડળીમાં મહત્ત્વના હોદ્દા છે, અરજદારોએ લોન ભરપાઈ થઈ ગયેલા અંગેના ખોટા એન.ઓ.સી. આપેલા છે, સાહેદોના નિવેદનોથી અરજદારોની પ્રથમ દર્શનીય સંડોવણીને સમર્થન મળે છે, પોલીસ તપાસ નાજુક તબક્કામાં છે, અરજદારોએ ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલાનો આક્ષેપ છે, જામીનમુક્ત કરવામાં આવે તો સાહેદોના નિવેદનો નોંધવાના બાકી છે તેમને યેનકેન પ્રકારે લોભ, લાલચ, ધાકધમકી આપી ફોડે તેવી અને કેસને નુકસાન પહોંચાડે તેવી વ્યક્ત કરવામાં આવેલી દહેશતને નકારી શકાય તેમ નથી, જામીન મુક્ત કરવાથી નાસતા ફરતા આરોપીઓને તેવા કૃત્યમાં મદદગારી કરે અને ફરી આવા ગુનાઓ કરે તેવી દહેશત પણ નકારી શકાય તેમ નથી ત્યારે અરજદારોનો ગુનાહીત રોલ, ગુનાની ગંભીરતા, પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતાને ધ્યાને લેતાં બંને અરજદારોને જામીન મુક્ત કરવા ન્યાયોચિત અને વ્યાજબી જણાતું ન હોવાનું માની બંને અરજદારોની બંને રેગ્યુલર જામીન અરજીઓ રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં મુળ ફરિયાદી આર.ડી.સી. બેંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા તથા સરકાર તરફે એસ. કે. વોરા રોકાયેલા હતા.