ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ’વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ડે’ નિમિત્તે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સફળ ઉદ્યોગસાહસિક જતીનભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતાનું માર્ગદર્શન આપ્યું હતું. આ સત્રનું આયોજન પ્રિન્સિપાલ ડો. આર.પી. ભટ્ટના નેતૃત્વ હેઠળ અને ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડો. હાર્દિકબેન ગોસાઈના વિશેષ પ્રયાસોથી કરવામાં આવ્યું હતું.
જતીનભાઈ સોલંકીએ પોતાની સંસ્થા “મધુવંતી” વિશે વિગતવાર માહિતી આપી. તેમણે પોતાના ફાર્મહાઉસ પર મશરૂમ, શુદ્ધ મધ અને વર્મી કમ્પોસ્ટ ખાતર જેવા ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરે છે, તે અંગે રસપ્રદ શૈલીમાં વાત કરી. તેમણે આ ઉત્પાદનોના બજાર અને માર્કેટિંગ વિશે પણ વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજાવ્યું. આ કાર્યક્રમ બોટની વિભાગના અધ્યક્ષ ડો. મનીષ જાનીના સહયોગથી યોજાયો હતો. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ અને 10 પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડો. આર.પી. ભટ્ટે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને માત્ર નોકરી શોધવાને બદલે નોકરીદાતા બનવા અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રેરણા આપી. તેમણે ભારતના અર્થતંત્રમાં યુવા ઉદ્યોગસાહસિકોના અમૂલ્ય યોગદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટે નવી દિશા મળી.