પ્રથમ સત્રમાં 8 શનિવાર જોયફૂલ ડૅ અને 4 શનિવાર બૅગલેસ ડૅ તરીકે રાખવા રાજ્ય સરકારનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ન્યૂ એજન્યુકેશન પોલિસી 2022ના નિયમની ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવામાં આવશે જેનો અમલ 5 જુલાઈથી શરૂ થઈ જશે. ગુજરાતની ધો,1 થી 8ની પ્રાથમિક શાળાઓમાં આયોજન અને અમલીકરણ કરતી નવી સિસ્ટમ લાગુ થશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે શનિવાર અમલી થશે. જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળવાની સાથે અન્ય પ્રવૃતિવાળુ શિક્ષણ મળવા જઈ રહ્યું છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાની 900 શાળામાં આ નિયમનું 5 જુલાઇથી અમલીકરણ કરવામાં આવશે.
ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અને ગઈઋ-જઊ 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના આદેશ અપાયા છે. શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય યોગા, શારીરિક શિક્ષણ, ચિત્ર, પ્રવાસ, ગીત-સંગીત સહિતની અન્ય ઈત્તર પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવશે. એટલુ જ નહિ સ્કુલ-ગામ નજીક આવેલા ઐતિહાસિક સ્થળો, તળાવ, ઉદ્યોગો, બેંક, પોસ્ટ ઓફિસ, તળાવો સહિતની મુલાકાત પણ કરાવી શકાશે. ધો.6થી 8ના વર્ગ માટે શારીરિક શ્રમના ગૌરવ માટે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ ખુબ જ ઉપયોગી બની શકે છે. આ નવા કોન્સેપ્ટથી બાળકોમાં શારિરિક,માનસિક અને સામાજીક સમસ્યાઓને પણ દુર કરી શકાશે. બેગ લેસ ડે પાછળ વિદ્યાર્થીના સવાંગી વિકાસનો મુખ્ય હેતુ છે.
શાળાદીઠ એક શિક્ષકને તાલીમ આપી તૈયાર કરાશે
GCERT દ્વારા એક મોડ્યુલ બનાવાશે. ટુંક સમયમાં શાળા દીઠ એક શિક્ષકને તાલીમ અપાશે. જુલાઈથી આ સત્રના કુલ 8 શનિવાર ’આનંદાયી શનિવાર’ તેમજ ચાર શનિવાર બેગલેસ ડેની પ્રવૃત્તિ કરવાની રહેશે. આ અમલવારી સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિક શાળાઓ ધોરણ 1થી 8ના બાળકો માટે લાગુ કરાશે.
અનેક શાળાઓમાં તો પહેલાંથી જ થતી રહી છે બૅગલેસ ડૅની ઉજવણી
રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ અથવા મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ ઈત્તર પ્રવૃતિઓ કરાવાતી હોય છે. જો કે, હવે રાજ્ય સરકારના પરિપત્ર બાદ દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડેનો અમલ થશે.