રથયાત્રામાં અખાડાના કરતબ અને ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિંદુ દેવી-દેવતાઓમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે? ત્યારે જવાબ આવશે કે સૌથી વધુ લોકપ્રિય શ્રી હનુમાનજી મહારાજ છે. શ્રી હનુમાનજી મહારાજ તો બાળકો હોય કે યુવાન, કે વૃદ્ધ દરેકના લોકપ્રિય દેવ છે અને તેમનો જ જન્મોત્સવ આવી રહ્યો છે જેને વધાવવા માટે દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ ઉત્સાહને રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવાના ભાગરૂપે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 17માં વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવની રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. આ યાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય બનાવવા રાજકોટની 100થી વધુ હિંદુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે અને યાત્રાને વધુ વિશાળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ વર્ષમાં ફકત એક જ વખત હનુમાન જન્મોત્સવના દિવસે રાજકોટના રાજમાર્ગ પર નગરયાત્રા કરીને લોકોની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દાદાના રથને ખેંચી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
- Advertisement -
બડા બજરંગ દાદાની રથયાત્રાનો ધ્યેય અને લોકોની શ્રદ્ધા :
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રથયાત્રાના આયોજનનો એક હેતુ એવો છે કે સમગ્ર સનાતન ધર્મનું સંગઠન થાય અને હિંદુ ધર્મનો વર્ગ જે પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાઈ રહ્યો છે તેને જણાવવા કે સનાતન ધર્મના તહેવારો પશ્ર્ચિમી સંસ્કૃતિ કરતાં પણ ભવ્ય રીતે ઉજવી શકાય છે. હિંદુ ધર્મ શ્રી હનુમાનજી મહારાજ કે જેને બાળપણમાં શ્રાપ મળેલ કે પોતાની શક્તિ ભૂલી જશે, પરંતુ તેની શક્તિની યાદ અપાવીએ ત્યારે પોતાની શક્તિથી પરિચિત થશે તેવી જ રીતે સનાતન ધર્મના લોકો તેની શક્તિ ભૂલી ગયેલ છે તો તેમની શક્તિ વિશે પરિચિત કરવા અને સનાતન ધર્મના જાગરણનો પણ એક હેતુ છે. તદુપરાંત આ રથયાત્રાની શરૂઆત માત્ર 10 ફ્લોટથી કરવામાં આવી હતી, જે આજે 60થી પણ વધુ ફ્લોટે પહોંચી છે જેનો એકમાત્ર ઉદ્દેશ સનાતનીઓના સંગઠનનો છે.
આ રથયાત્રામાં રથ ખેંચવા લોકો રાજકોટના અલગ-અલગ વિસ્તાર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી આવે છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે આખું વર્ષ તો અમે અમારી જિંદગીનો રથ ખેંચીએ છીએ પણ આ દાદાના રથને ખેંચવાથી આખા વર્ષનો થાક દૂર થઈ જાય છે. લોકો દ્વારા આસ્થાથી પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે. પોતાના બાળકોનું માથું ટેકવવા દૂર દૂરથી લોકો આવે છે.
રથયાત્રાનું આકર્ષણ:
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન આયોજિત યાત્રામાં આશરે 60થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાશે. જેમાં સર્વપ્રથમ ભગવો ધ્વજ લઈને ચાલશે. શ્રી બડા બજરંગ દાદાની મૂર્તિ જે રાજમાર્ગો પર રજવાડી રથમાં નીકળશે જેની સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તે રજવાડી રથને રસ્સા દ્વારા ખેંચવામાં આવશે. 251 કિલોના મલીનદાના પ્રસાદને રથયાત્રાના રૂટમાં આપવામાં આવશે તથા દાદાના રથની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફ્લોટમાં કેદારનાથ, દેવી-દેવતાના જીવંત પાત્રો, નારી શક્તિ અને અનેક પ્રકારના ફ્લોટ જોવા મળશે. ઠેર-ઠેર જુદી જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પોની વર્ષાથી તેમજ ફટાકડા ફોડી યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યાત્રાના સમગ્ર રૂટ પર ઠંડા પીણાં, શરબત, છાશ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.
ડીજે અને કેશિયો પાર્ટી સંગાથે આખા રથયાત્રાના રૂટમાં જય જય શ્રી રામ અને રામના નામથી રાજમાર્ગો ગુંજી ઉઠશે.
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનની યાત્રાનું પ્રસ્થાન સાધુ-સંતો અને ભૂદેવ અજય મહારાજના હસ્તે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનું પ્રસ્થાન થશે.
તા. 12-4-2025 ને શનિવારે સાંજે 4-30 વાગ્યે શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિર, રામનાથપરા-16થી યાત્રાનો પ્રારંભ થશે. જે બડા બજરંગ ચોક, રામનાથપરા મેઈન રોડથી ગરુડ ગરબી ચોક થઈને વિરાણીવાડી રોડથી હાથીખાના મેઈન રોડ, કેનાલ રોડથી ગુંદાવાડી પોલીસ ચોકી થઈને પેલેસ રોડથી સંતોષ સામેનો રોડ થઈ, કરણપરા ચોકથી પ્રહલાદ મેઈન રોડ થઈ, ભૂપેન્દ્ર રોડથી શ્રી બાલાજી મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.
હનુમાન જન્મ મહોત્સવ સમિતિમાં પ્રમુખ તરીકે કલ્પેશ ગમારા, ઉપપ્રમુખ-દીનેશ પુનવાણી, ખજાનચી-વિજય પુનવાણી, મંત્રી-રવિ ભટ્ટી, સહમંત્રી- વિજય મકવાણા, યાત્રા ઈન્ચાર્જ-રાજા જાદવ, કમલેશ ગમારા, અંકિત ખત્રી, રાજ ગમારા અને રૂટ પ્રમુખ તરીકે અજય મકવાણા, પ્રભાત ગમારા, મયુર રાતડીયા, ગોપાલ સરૈયાની નિમણૂંક કરાઇ છે.
આ ધર્મયાત્રા અને કળિયુગના અજરાઅમર દેવ શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા અને રથને ખેંચી ધન્યતા અનુભવવા પરિવાર તથા મિત્ર સર્કલ સાથે પધારવા શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન તમામ ધર્મપ્રેમી જનતાને અને સંસ્થાઓને ભાવભર્યું આમંત્રણ આપે છે.
બડા બજરંગ ફાઉન્ડેશનના સભ્યો કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવિ ભટ્ટી, વિજય પુનવાણી, રાજ ગમારા, વિશાલ કવા, ગોપાલ સરૈયા, અમીત ધામેલીયા, અજીત ગમારા, અજય ભટ્ટી, પાર્થ સોની વગેરેએ ‘ખાસ-ખબર’ની મુલાકાત લીધી હતી.