ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ અંતર્ગત મળ્યો એવોર્ડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજકોટ મનપા દ્વારા બનાવેલ લાલા લજપતરાય ટાઉનશીપ, ક્રાંતીવીર મંગલ પાંડે ટાઉનશીપ, શહીદ ભગતસિંહ ટાઉનશીપ, શહીદ સુખદેવ ટાઉનશીપ અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાને ઈન્ડીયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિ. અમિત અરોરા, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં આશરે 32000થી વધારે આવાસ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં સમાજના ઓછી આવક ધરાવતાં તેમજ મધ્યમ વર્ગીય સહિત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ઈ.ડબલ્યુ.એસ. તથા એલ.આઈ.જી. પ્રકારના આવાસો બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક જરૂરિયાતની તમામ સુવિધાઓ આપવામાં આવી છે તથા આંગણવાડી અને શોપિંગ સેન્ટરનું નિર્માણ કર્યુઁ છે. જ્યારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ આધારિત આવાસ યોજનામાં ઊર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર પીવી સિસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય તે માટે બહારની બાજુએ કેવીટી વોલની સુવિધા, કોમન લાઈટીંગ માટે એલઈડી બલ્બનો ઉપયોગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જે અન્વયે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ દ્વારા 20થી 22 ઓક્ટોબર દરમિયાન હૈદરાબાદ ખાતે ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડસનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ મનપા આવાસ યોજના વિભાગ દ્વારા આ મોમેન્ટો સ્વીકારવામાં આવેલ.