સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 53 બોલમાં 122 રન ફટકાર્યા હતા
ક્રિકેટર અવિ બારોટ સારો બેટ્સમેન અને વિકેટકીપર હતો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું ગઇકાલે રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અવિના નિધનના સમાચાર વહેતા થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનું મોજ ફરી વળ્યું છે. તેની ઉંમર માત્ર 29 વર્ષની હતી. અવિ બારોટ સારો બેટ્સમેન અને વિકેટકીપર હતો. ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં તેણે 45 બોલમાં 72 રન ફટકાર્યા હતા. આ વર્ષે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 53 બોલમાં 122 રન ફટકાર્યા હતા. અવિ બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને શોક વ્યક્ત કર્યો છે . જઈઅના ચેરમેન જયદેવ શાહે અવિ બારોટને શ્રદ્ધાંજલિ આપી છે.
મૂળ અમદાવાદના વતની અવિ બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતો હતો. તેના નિધન અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને માહિતી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવિ બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો એક ભાગ હતો, જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- Advertisement -
અવિ બારોટ રાઈટ હેન્ડ વિકેટકીપર-બેટ્સમેન હતો. આ સિવાય તે ઓફ બ્રેક બોલિંગ પર કરી લેતો હતો. તેણે પોતાના કેરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ અ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 1547 રન બનાવ્યા હતા, જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી-20માં 717 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સીઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવિ બારોટ એમાં સામેલ હતો. સૌરાષ્ટ્ર માટે તેણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.