રાજકોટની બજારોમાં નવરાત્રિને લગતી ચીજ-વસ્તુઓની ખરીદી નીકળી છે. પૂજાનો સામાન, ડેકોરેશન, ચણીયા ચોલી અને ઓર્નામેન્ટ્સ, ઇમિટેશનની નવી નવી વસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે. હાલ નવરાત્રિને લીધે પૂજાપા, ધૂપ, ગૂગળ, માતાજીની ચૂંદડી, ગરબા, ઈંઢોણી, શણગાર વગેરેની ધૂમ નરીદી થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસના પૂજાપા, ફુલો સહિતની વસ્તુની ડિમાન્ડ રહે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભાવિકો મા દૂર્ગાની ગરબામાં દિવો પ્રગટાવીને ઉપાસના કરે છે. આ વખતે રાજકોટ શહેરમાં અલગ અલગ ડિઝાઇન વાળા અવનવા માટીના ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજકોટ શહેરમાં 60 રૂપિયાથી લઈને 4500 રૂપિયાની કિંમત સુધીના અલગ-અલગ ગરબાનું વેચાણ થાય છે. આ નવરાત્રિમાં રાજકોટના ડિજિટલ ગરબા ધૂમ મચાવી રહ્યાં છે. આ વર્ષે લાઇટીંગવાળા ડિજિટલ ગરબા અતિ આધુનિક ફિચર્સ સાથે માર્કેટમાં આવ્યાં છે. તેમાં માટી ગરબો બનાવી રંગ-રોગાન અને ડેક્લેરેશન કર્યા પછી ડિજિટલ કીટ બેસાડવામાં આવે છે. ડિજિટલ ગરબાને ઓપરેટ કરવા માટે તેની એપ્લિકેશન ઇન્સટોલ કરી બ્લૂટૂથના માધ્યમથી કનેક્ટ કરી ગરબાના 10થી વધારે ફિચર્સનો લાભ લઈ શકાય છે. જેમાં મ્યુઝિક, ક્લેપ દ્વારા ઓટોમેટીક લાઇટીંગ, ટાઈમર, માઇક ઓપરેટીંગ અને વિવિધ ડિઝાઈનવાળી લાઈટનો સમાવેશ થાય છે. રાજકોટમાં તૈયાર થતાં ડિજિટલ ગરબાની ગુજરાતભરમાં ડિમાન્ડ છે. આ ગરબા મુખ્યત્વે મંદિર, ગરબી અને સ્થાપના કરી આખુ વર્ષ પૂજા કરતાં લોકોની પ્રથમ પસંદગી બન્યાં છે.
Follow US
Find US on Social Medias