સપ્ટેમ્બરમાં વન-ડે ક્રિકેટ છોડ્યા બાદ હવે તમામ ફોર્મેટને કહ્યું અલવિદા: ચાહકો-સાથી ખેલાડીઓનો માન્યો આભાર: કમીન્સને મળી શકે ટી-20ની કમાન
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તેના બે દિવસ પહેલાં જ ઑસ્ટ્રેલિયાની વિશ્વવિજેતા ટી-20 ટીમના કેપ્ટન આરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈને સૌને ચોંકાવ્યા છે. તેણે સપ્ટેમ્બર-2022માં વન-ડે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 36 વર્ષીય ફિન્ચ આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વકપ-2015 જીતનારી ટીમનો હિસ્સો હતો જ્યારે 2021માં ટી-20 વર્લ્ડકપ દરમિયાન તે ટીમનો કેપ્ટન હતો.
- Advertisement -
સંન્યાસનું એલાન કરતાં ફિન્ચે કહ્યું કે 2024માં રમાનારા ટી-20 વર્લ્ડકપ સુધી તે રમી શકે તેમ ન હોવાથી અત્યારે જ સંન્યાસ લેવાનો સાચો સમય છે એટલા માટે તે આ પદ છોડી રહ્યો છે અને ટીમને આગળની યોજના માટે પૂરતો સમય મળી રહે તે માટે સંન્યાસનું એલાન કરી રહ્યો છું. તેમણે પોતાના પરિવાર અને ચાહકો અંગે કહ્યું કે હું મારા પરિવાર અને તેમાં પણ ખાસ કરીને પત્ની એમી, મારી ટીમના સાથીઓ, ક્રિકેટ વિક્ટોરિયા, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનનો આભાર માનું છું જેણે મને એ રમત રમવાની પરવાનગી આપી જેને હું પસંદ કરું છું.
12 વર્ષ સુધી ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવું, મહાન ખેલાડીઓ સાથે રમવું અવિશ્વસનીય સન્માન રહ્યું છે. ફિન્ચ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનારો બેટર છે. તેણે 34.28ની સરેરાશથી અને 142.53ના સ્ટ્રાઈક રેટથી 3120 રન બનાવ્યા છે. 2018માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ બનાવેલો તેનો 172 રનનો સ્કોર આજે પણ રેકોર્ડ છે. ઑસ્ટ્રેલિયન ટીમે ટી-20 શ્રેણી ઑગસ્ટના અંતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે રમવાની છે મતલબ કે તેની પાસે કેપ્ટનની નિયુક્તિ કરવા માટે પર્યાપ્ત સમય છે. એવી પણ શક્યતા છે કે પેટ કમીન્સ જ ટેસ્ટ અને વન-ડે બાદ ટી-20ની કમાન સંભાળે.