ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેણે વડાપ્રધાનને રેકેટ ભેંટ કર્યું જેની સાથે તેણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ઓપન 2024નો ખિતાબ જીત્યો હતો.
તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં, બોપન્નાએ મોદી સાથે ઓસ્ટ્રેલિયન ઓપન કપ અને રેકેટની તસવીરો શેર કરી અને મેલબોર્નમાં તેમની જીતની પ્રશંસા કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
- Advertisement -
બોપન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ’મને આજે આપણા માનનીય વડાપ્રધાન મોદીજીને મળવાનું સૌભાગ્ય મળ્યું. આ સન્માન મારા માટે ઘણું મોટું છે અને મને વિશ્વ નંબર 1 અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનાવનાર રેકેટ રજૂ કરવામાં મને ગર્વ છે. તમારા સ્નેહથી મને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે.
મોદીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતને ગૌરવ અપાવવા બદલ બોપન્નાની પણ પ્રશંસા કરી અને ભવિષ્યની ટુર્નામેન્ટ માટે તેમને શુભેચ્છા પાઠવી. મોદીએ બોપન્નાની પોસ્ટના જવાબમાં લખ્યું – તમને મળીને આનંદ થયો. તમારી સિદ્ધિ ભારતને ગૌરવ આપે છે અને તમારું સમર્પણ ઘણાને પ્રેરણા આપે છે. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ છે.