કમિન્સ-લાયને બાજી પલ્ટી
ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કમિન્સ (44*) અને લાયન (16*) વચ્ચે નવમી વિકેટમાં 12 ઓવરમાં 55 રનની અણનમ ભાગીદારી નોંધાવતા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં બે વિકેટથી દિલધડક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 281ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ 227 રને ગુમાવી ત્યારે તેમની હાર નક્કી લાગતી હતી.
જોકે કેપ્ટન કમિન્સ અને લાયને ધીરજપૂર્વક બેટિંગ કરતાં ઈંગ્લેન્ડના હાથમાંથી જીતનો કોળિયો ઝુંટવી લીધો હતો. કમિન્સે રોબિન્સનની બોલિંગમાં ચોગ્ગો ફટકારતાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની એશિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 273 રનમાં સમેટાતા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281ના ટાર્ગેટ મળ્યો હતો.
પાંચમા અને આખરી દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગને 107/3 થી આગળ ધપાવી હતી. જોકે તબક્કવાર તેમણે વિકેટ ગુમાવી હતી. સ્ટોક્સે ખ્વાજાની 65 રનની સંઘર્ષમય ઈનિંગનો અંત આણતા ઈંગ્લેન્ડનો જીતનો જુસ્સો બુલંદ બનાવ્યો હતો. જોકે કમિન્સ અને લાયને ઈંગ્લેન્ડની આશા પર ઠંડુ પાણી રેડતા ઓસ્ટ્રેલિયાને નાટકીય જીત અપાવી હતી.