ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસની હરાજી ચાલુ રાખવામાં આવી છે. આજે કપાસ લઈને આવેલા ખેડૂતોને ₹1,520 સુધીનો ભાવ મળતા તેઓમાં ખુશી જોવા મળી હતી.
સામાન્ય રીતે દિવાળી પહેલા વરસાદની મોસમ પૂરી થઈ જતી હોય છે અને લાભ પાંચમથી માર્કેટયાર્ડ શરૂ થાય છે. જોકે, આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ખેતરમાંથી પાક ઉપાડવામાં વિલંબ થયો હતો. હાલમાં પણ દિવાળી પછી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
આવી સ્થિતિમાં, જે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસનો પાક ઉપાડી લીધો છે, તેમને માલ ક્યાં રાખવો તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ખેડૂતો પોતાની જણસ વેચી શકે તે માટે મોરબી માર્કેટયાર્ડ દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ હરાજી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ હરાજીમાં ખેડૂતોને કપાસનો ભાવ ₹1,200 થી ₹1,520 સુધી મળ્યો છે. કપાસ ઉપરાંત મગફળી સહિતના અન્ય પાકોની પણ હરાજી કરવામાં આવી રહી છે.
- Advertisement -
ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે ખુલ્લી જગ્યાને બદલે શેડ નીચે માલ ઉતારવામાં આવે છે અને ત્યાં જ હરાજી કરીને વેચાણ કરવામાં આવે છે. આ માહિતી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.



