અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
નવરાત્રી ના પડઘમ પુર જોશ માં વાગી રહ્યા છે. આજે શનીવાર ત્રીજી રાત્રીની તૈયારીઓ ખેલૈયાઓ એ કરી લીધી હશે. આમતો ગુજરાતનો ગરબો હવે દેશના સીમાડાઓ ઓળંગીને પરદેશમાં પણ એટલોજ લોકપ્રિય થઇ ચુક્યો છે. ભલે માથે ગરબો લઇને પાંચ – દસ પૈસા કે ગરબાના દિવડામાં ધી પુરાવવા ઘેર ઘેર ફરતી નાની નાની બાલીકાઓ જરૂર વિસરાઇ છે, પરંતું નવી પેઢીમાં ગરબાનું ઘેલું લગાડવામાં કિર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી, ગીતાબેન રબારી, ભુમિ ત્રીવેદી, અતુલ પુરોહીત, કીંજલ દવે, ફાલ્ગુની પાઠક, પાર્થિવ ગોહીલ જેવા દિગ્ગજ કલાકારોનો સિંહ ફાળો છે. આપણા ગુજરાતમાં જે ગરબાના ગઢ તરીકે ઓળખાય છે તેવા વડોદરાના ગરબાની વાત કરીએ તો આજે પણ વડોદરામાં અતુલ પુરોહીત અને નિશા ઉપાધ્યાય – નિગમ ઉપાધ્યાય નો દબદબો યથાવત છે. વડોદરામાં અન્ય ગાયક કલાકારોને લઈ ને નાના-મોટા અનેક આયોજનો થાય છે
- Advertisement -
પરંતું અત્યારની નવી પેઢીમાં અતુલ દાદા અને નિશા ઉપાધ્યાય – નિગમ ઉપાધ્યાય નું આકર્ષણ ખુબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં સૌથી અલગ પ્રકારના ગરબા વડોદરા ખાતે થાય છે. આજે પણ વડોદરામાં ગરબાના વાદ્યોમાં તબલાં અને ઢોલકનો ઉપયોગ થાય છે. હેવી રીધમ ને બદલી સોફ્ટ રીધમના આગ્રહી એવા બરોડીયનો નવા નવા ગરબાને ખુબ પસંદ કરે છે. અને ખેલૈયાઓ દોઢીયું નામની આગવી સ્ટાઈલ થી વડોદરામાં ગરબા રમે છે. વિશાળ છતાં એક જ સર્કલ માં અતુલ દાદા કે નિશા ઉપાધ્યાય – નિગમ ઉપાધ્યાય ના સુરીલા કંઠને સથવારે ગરબા રમતા જોવા તે એક અનેરો લ્હાવો છે. ઉપર જે કલાકારોના નામનો ઉલ્લેખ કર્યો તે બધા જ ખુબ લાંબી પ્રી નવરાત્રી અલગ અલગ દેશોમાં પુરી કરી પોતાના હોમ ગ્રાઉન્ડ ખાતે પરત આવી ગયા છે. અને પ્રથમ નવરાત્રી થી જ ગુજરાત અને મુંબઈ માં પોતાના પરફોર્મન્સ શરૂ પણ કરી દીધા છે.
અમદાવાદ ખાતે સાઉન્ડ સીસ્ટમ કે ગાયક કલાકારો વગર ઢોલ-શરણાઈ ના સથવારે સફળ આયોજન ‘મંડપમ’
અમદાવાદ માં સાઉન્ડ સીસ્ટમ અને ગાયક કલાકારો વગર માત્ર ઢોલ અને શરણાઈ ના સથવારે એક નવો પ્રયોગ યુવાઓમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ ની પાદરે એક આલ્હાદક આંબાવાડી માં ’મંડપમ’ ના શિર્ષક હેઠળ યોજાયેલ ગરબા આયોજન માં ત્રણ થી ચાર હજાર યુવાનો માત્ર ઢોલ – શરણાઈ ના સુર તાલ સાથે એક જ સર્કલ માં સંપુર્ણ પરંપરાગત રીતે ગરબા રમતા જોઈ આંખને ઠંડક મળે છે. સુર્યાસ્ત થી સુર્યોદય ની પરીકલ્પના સાથે યોજાયેલ ’મંડપમ’ મોડે સુધી ચાલતા હોવા છતાં સંપૂર્ણ રીતે કાયદાનું પાલન કરી રહેલ છે. આવા આયોજન જોયા પછી ચોક્ક્સ એવું લાગે છે ગરબાની મુળ પરંપરા તરફ નવી પેઢી પરત ફરી રહી છે. મંડપમ ના આયોજકોને આ સફળ આયોજન માટે ધન્યવાદ.