અતુલ પંડિત અને કિરીટ પરમારને કારણે કન્યા શાળાની દુર્દશા, વિદ્યાર્થિનીઓ-વાલીઓ ભયભીત
ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારે ધ્યાન ન દેતાં મ્યુનિસિપલ કમિશનરને વાલીઓ દ્વારા રજૂઆત કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે કરેલા વિવિધ ગડબડ, ગોટાળા અને ગોલમાલ તો છાશવારે બહાર આવી રહ્યા છે હવે તેમની એક ગંભીર બેદરકારી પણ પ્રકાશમાં આવી છે જે અક્ષમ્ય છે. રાજકોટના કોઠારિયા સોલવન્ટ ખાતે આવેલી શિક્ષણ સમિતિની સરકારી શાળામાં લુખ્ખા તત્વોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો હોય આ અંગે વારંવાર ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારને રજૂઆત કરવામાં આવી હતી આમ છતાં તેમના દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા મામલે કોઈ પગલાં ભરવામાં ન આવતા શાળાની વિદ્યાર્થિનીઓની સલામતી સામે સવાલ ઉઠતી ઘટના ઘટી છે.
કોઠારિયા રોડ ઉપર આવેલી નારાયણનગર ગર્લ્સ સ્કૂલમાં ગત અઠવાડિયે એક એવી ઘટના બનવા પામી હતી જેના કારણે માતા-પિતાઓમાં પોતાની દીકરીઓને શાળાઓ મોકલવા મામલે ગભરાટ ફેલાઈ ગયો છે. આ શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષની વિદ્યાર્થિનીને લુખ્ખા તત્વો દ્વારા ઉઠાવી જવાનો પ્રયાસ કરાતા વાલીઓ કાળઝાળ થઈ ઉઠ્યા હતા. આ શાળા આસપાસ છેલ્લા ઘણા સમયથી બાળક ઉઠાવગીરોની ગેંગ સક્રિય થઈ હોવાનું ધ્યાન પર આવતાં વાલીઓ દ્વારા સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે, કોઠારિયા રોડ પર નારાયણનગર ક્ધયા શાળાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા દત્તક લેવામાં આવી છે જેમાં હાલ પછાત વિસ્તારની 400 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. અહીં છેલ્લા ઘણા સમયથી બાળક ઉઠાવગીર ગેંગ સક્રિય થઈ ગઈ હોય તેવી રીતે થોડા જ દિવસ પહેલાં શાળામાં ભણતી એક બાળકીને છરી બતાવી ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકીએ ઉઠાવગીર ગેંગનો પ્રતિકાર કરીને ગેંગના લોકોને બટકાં ભરી લેતાં ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં ગત અઠવાડિયે પણ બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવતાં લોકો એકઠા થઈ જતાં બાળક ઉઠાવગીર ગેંગ ત્યાંથી ભાગી ગઈ હતી. વાલીઓની માંગણી છે કે, સરકારી શાળામાં દીકરીઓની સુરક્ષા જોખમાતી હોય અહીં તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા મૂકવા જરૂરી બની જાય છે. આ ઉપરાંત મહાપાલિકાનો વિલિજન્સ સ્ટાફ અને પોલીસ સ્ટાફનું અહીં સતત પેટ્રોલિંગ રહે તે પણ જરૂરી છે.
- Advertisement -
શાળામાં CCTV નથી, કારકૂન પણ નથી છાત્રાઓ પાસે પટ્ટાવાળાનું કામ કરાવાય છે!
જો આમ કરવામાં નહીં આવે તો આ ગેંગને મોકળું મેદાન મળી જશે અને ભવિષ્યમાં અહીંથી બાળકોની ઉઠાંતરી શરૂ થઈ જશે તેવી ભીતિ પણ વાલીઓએ વ્યક્ત કરી હતી. વાલીઓએ એવો આક્ષેપ પણ કર્યો કે ક્ધયા શાળામાં કારકૂનની કોઈ જ સુવિધા ન હોવાથી કોઈ મહેમાન આવે તો સ્કૂલ સંચાલકો દ્વારા બાળકીઓ પાસે પાણી-ઠંડું આપવા સહિતની કામગીરી કરાવવામાં આવી રહી છે! આ ઉપરાંત બહારનું કોઈ કામ પડે તો વિદ્યાર્થિનીઓને બહાર મોકલવામાં પણ આવી રહી છે જે સદંતર વ્યાજબી નથી. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થિનીઓના હિતની રક્ષા કરી શકે તેવા ચેરમેન, શાસનાધિકારી અને સ્કૂલમાં મજબૂત સંચાલક મૂકાય તે જરૂરી બની જાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની એકમાત્ર નારાયણનગર ક્ધયા શાળા મ્યુનિસિપલ કમિશનરે દત્તક લીધી છે. આ શાળામાં આવારા તત્વોને કોઈ જાતનો ડર ન હોય તેમ સ્કૂલનો અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે શાળામાં ઘૂસી જાય છે. શાળા છૂટતી વખતે પણ વિદ્યાર્થિનીઓને વાલીઓ તેડવા માટે આવે છે ત્યારે તેમની સાથે પણ ચેનચાળા સહિતની હિન પ્રવૃતિ કરતા હોય છે આથી શાળાના આચાર્ય અને વાલીઓએ શાળામાં કાયમી ધોરણે સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા આપવાની માંગ કરી હતી. શાળાની ફરતે દીવાલ કરી આપવા પણ રજૂઆત કરાઈ હતી. અફસોસ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારને પોતાના અંગત હિતમાં જ રસ હોય તેમણે આ તમામ બાબતો નજરઅંદાજ કરી હતી જેનું પરિણામ વિદ્યાર્થિનીઓને ભોગવવું પડ્યું છે.
પંડિત-પરમારની બેદરકારીને કારણે વિધાર્થિનીઓ શાળામાં અસલામત
કોઠારિયા સોલવન્ટ ખાતે આવેલી ક્ધયા શાળામાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વો સ્કૂલની આજુબાજુ પડ્યાપાથર્યા રહેતા હોય આ અંગે શાળાના આચાર્ય અને વાલીઓએ વારંવાર શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારને રજૂઆત કરી ઘટતું કરવા માંગ કરી હતી છતાં આ રજૂઆતને ધ્યાને ન લેતા પંડિત-પરમારે આવારા તત્વો સાથે કોણ માથાકૂટ કરે તેમ વિચારી લુખ્ખાઓને ટપારતા ન હતા આથી આવારા તત્વો બેફામ બન્યા હતા અને વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન કરી રહ્યા છે. ગત અઠવાડિયે ટપોરીઓની ટોળકીએ સ્કૂલમાં પ્રવેશ કરી 12 વર્ષની વિદ્યાર્થિનીનું બાવડું પકડી ઉપાડી જવાનો પ્રયાસ કરતા દેકારો થઈ ઉઠતા ટોળકી નાશી છૂટી હતી. આવારા તત્વોનો ત્રાસ અત્યાર સુધી સહન કરતા વાલીઓ છાત્રાનું અપહરણ કરવાનો પ્રયાસ થતા કાળજાળ થઈ ઉઠ્યા હતા. ઘણા સમયથી આવારા તત્વોનો ત્રાસ સહન કરતા વાલીઓએ ચેરમેન અને શાસનાધિકારીને રજૂઆત કર્યા બાદ તેમના દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા આ ઘટના ઘટી હોવાનું વાલીઓ કહી રહ્યા છે.
સમિતિની શાળાઓમાં આચાર્યા અને શિક્ષિકા બહેનો પણ સલામત નથી!
ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારના શાસનાકાળમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની તો ઠીક આચાર્ય બહેનો પણ સલામત નથી. આ કારણોસર નાછૂટકે વાલીઓએ મોંઘી ફી ચૂકવી પ્રાઈવેટ સ્કૂલોમાં પોતાના સંતાનોને અભ્યાસ અર્થે મોકલવા પડે છે અને મહિલા આચાર્યો-શિક્ષિકાઓ શાળાએ આવતા ડરે છે. નોંધનીય છે કે, કોઠારિયાની નારાયણનગર ક્ધયા શાળામાં આવારા તત્વોના વધતા જતા ત્રાસ સામે વાલીઓ તેમજ સ્થાનિકો દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારને અવારનવાર રજૂઆત કરી હતી તેમજ શાળાના આચાર્ય દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવેલું છતા આજ સુધી ટપોરીઓ સામે પગલા ન લેવાતા તેમનામાં હિંમત આવી ગઈ હતી, આવારા તત્વો હવે બાળકીના અપહરણ કરવા સુધી પહોંચી ગયા છે. બીજી તરફ કેટલાંક લુખ્ખાઓ સરકારી શાળાની મહિલા આચાર્યો-શિક્ષિકાઓને પણ હેરાન-પરેશાન કરે છે. આ વિશે પણ ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમના દ્વારા કશુરવાર વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
શાળા નં.93 મામલે પણ ચેરમેન, શાસનાધિકારી, મ્યુનિ. કમિશનર અને ડે.મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાઈ છે છતાં કોઈ જ પગલાં લેવાયા નથી!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં.93ના મહિલા આચાર્યએ પણ કેટલાંક લોકો દ્વારા તેમની છેડતી કર્યાની તેમજ શાળામાં સેનેટાઈઝેશન, પીવાના પાણી સહિતની સુવિધાઓ ન હોવાની એકથી વધુ રજૂઆત શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી, મ્યુનિ. કમિશનર અને ડે.મ્યુનિ. કમિશનરને કરી છે છતાં આજ સુધી શાળા નં.93ના મહિલા આચાર્યની છેડતી કરનાર વિરુદ્ધ તો ઠીક શાળામાં પૂરતી સંડાસ-બાથરૂમ કે પીવાના પાણીની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. રાજકોટ શિક્ષણ સમિતિની શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં સત્તાધીશોને જાણે રસ જ ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.