કર્મચારી ફરજ પર નહીં હોવા છતાં પણ હાજરી પૂરવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રણેક વર્ષથી ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં ધ્રાંગધ્રા શહેરના દરેક વિકાસના કામ પર ટકાવારી સિવાય બિલ પાસ નહીં થતા હોવાની કોન્ટ્રાકટરોમાં રોષ ફેલાયો છે હાલમાં જ કોરોડો રૂપિયાનો ખર્ચ જોગાસર મંદિર પાછળ કરાયો હતો પરંતુ આ કામમાં પણ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે તેમ નજરે તરી આવતો હતો જોકે બાદમાં ભ્રષ્ટાચારને છુપાવવા માટેના પ્રયત્નો પણ થયા હતા પરંતુ આ સાથે નગરપાલિકા ખાતે છેલ્લા કેટલાય સમયથી હાજરી કૌભાડ પણ ચાલી રહ્યું છે જેમાં નગરપાલિકાના કેટલાક કરાર આધારિત કર્મચારીઓ ફરજ પર હાજર નહિ હોવા છતાં પણ તેઓને દર મહિને પગાર ચૂકવવામાં આવે છે આ દરરોજ ગેરહાજર રહેતા કરાર આધારિત કર્મચારીઓ પોતાના અન્ય વ્યવસાય કરતા હોય છે અને આ બાબતની જાણ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને પણ છે છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી એક તરફ જરૂરિયાતમંદ યુવાનો બેરોજગાર છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં મફતનો પગાર લેતા કરાર આધારિત કર્મચારીઓ સામે કાર્યવાહીને બદલે નગરપાલિકા તંત્ર આ કર્મચારીઓને છવાતું હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
હંમેશા ફરજ પર ગેરહાજર રહેતા આ કર્મચારીઓના બદલે અન્ય કર્મચારીઓને ફરજ આપવામાં આવે છે અથવા તો તેઓને આપેલી ફરજ ધણીધોરી વગરની હોય છે છતાં પાલિકા તંત્ર દ્વારા દર મહિને સમયસર પગાર ચૂકવી સરકારી ભંડોળ વેડફે છે. આ સાથે નગરપાલિકામાં જ્યાં એક અથવા બે કર્મચારીઓની જરૂર છે ત્યાં રાજકીય સંબંધ અને ભીસના લીધે ચારથી પાંચ કર્મચારીને મૂકી દેવાયા છે. ત્યારે કદાચ કરાર આધારિત કર્મચારીઓ હાજર નહિ રહેતા હોવા પાછળ પણ સ્થાનિક અધિકારી અને પદાધિકારીનો લાભ છુપાયેલો હશે ! પરંતુ હાલ તો આ પ્રકારના અનેક કરાર આધારિત કર્મચારીઓ દર મહિને મફતનો પગાર લઈ પાલિકા તંત્ર આ કર્મચારીને છાવરતા હોવાથી સરકારી તિજોરીને મોટું નુકશાન પહોચાડી રહ્યા છે.