હુમલાનો પ્રયાસ થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની કાર પર ગત મોડીરાત્રે હુમલાનો પ્રયાસ થયા હોવાની ઘટના સામે આવી છે. સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત અમરેલી ફરતી વેળાએ ધારીના દુધાળા ગામ નજીક અજાણ્યા શખ્સોએ કાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પ્રતાપ દુધાત એસપીને રૂબરૂ મળી હુમલો થયાની ધટના અંગે રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પર હુમલાની ઘટના પગલે અમરેલી જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસને લઈ કોંગ્રેસ આગેવાનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જે બાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે પ્રતાપભાઇ દુધાતના ડ્રાઇવર સિરાજભાઈ પહોંચ્યા હતા. અને ધારી પોલીસ મથકમાં હુમલાના પ્રયાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી. આ બાબતે પ્રતાપભાઇ દુધાતે જણાવ્યું હતું કે, સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને અમરેલી પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો ત્યાં અમરેલી બાજુની ચેકપોસ્ટ થી બહાર નીકળતાં 15 થી 20 જેટલા અજાણ્યા શખ્સો ઉભા હોય એવો ખ્યાલ આવતાં મારા ડ્રાઇવરે ગાડી સ્પીડમાં કાઢી લીધી હતી. ત્યારબાદ દુધાળા ગામે અમે લોકોને ત્યાં મોકલ્યા તો બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઉભા હતા. આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે. વ્યક્તિ લડાઈ મારે કોઇની સાથે થય નથી. અને જીલ્લામાં રાજકીય આગેવાન હોવાને કારણે અનેક મુદ્દાઓ પર હું બોલ્યો છું. જેથી કોઇના ધંધા પર ઘા લાગ્યો હોય અને બદલો લેવા આ કૃત્ય હોય એવુ મને લાગે છે. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબજ કથળી ગયેલી છે. હું એસપીને મળીને રજૂઆત કરી છે. અને એસીપીએ કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે. અને મારો ડ્રાઈવર ધારી ખાતે ફરીયાદ આપવા જવાનો છે તેમ જણાવ્યું હતું.