સ્થાનિક નેતાઓએ વગ વાપરી ગામ દત્તક લેવડાવ્યું
સાંસદનાં મતક્ષેત્રમાં અનેક અલ્પ વિકસીત ગામ આવેલા છે પરંતુ સ્થાનિક નેતાઓએ લાગવગ લગાડી ગામ દત્તક લેવડાવ્યાની ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર લોકસભા બેઠકમાં જૂનાગઢ જિલ્લાનાં કેટલાક ગામનો સમાવેશ થાય છે. મેંદરડા તાલુકાના પણ સમાવેશ થાય છે. પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધળુકે મેંદરડાનું સમઢીયાળા ગામ દત્તક લીધું છે ખરેખર તો આ ગામ દત્તક લેવા પાછળ માત્ર ને માત્ર જશ ખાટવાની વાત છે. સમઢીયાળા ગામ મેંદરડાનું વિકસીત ગામ છે. આ ગામમાંથી મંત્રી સુધીની નેતાઓએ સફર કરી છે તેમજ વર્તમાનમાં પણ સ્થાનિક રાજકારણમાં સમઢીયાળાના આગેવાનો છે. આ ગામમાં રસ્તા, પાણી, લાઈટની સુવિધા છે. નવી સ્કૂલ બની રહી છે. સમઢીયાળા વિકસીત ગામ છે ત્યારે સાંસદે ગામ દત્તક લેતાં અનેક સવાલો ઊભા થયા છે. સાંસદનાં મતક્ષેત્રમાં અનેક અલ્પ વિકસીત ગામ આવેલા છે પરંતુ સ્થાનિક નેતાઓએ લાગવગ લગાડી ગામ દત્તક લેવડાવ્યાની ચર્ચા જાગી છે. દત્તક ગામ માટે આવતી ગ્રાન્ટમાં ભાગબટાઈ કરી શકાય. આ ઉપરાંત સાંસદે દત્તક લીધેલા ગામનો રિપોર્ટ પણ આપવાનો હોય છે ત્યારે વિકસીત ગામ હોય તો વધુ મુશ્કેલી પડે નહીં. તેમના મતક્ષેત્ર જૂનાગઢ જિલ્લાને બાદ કરતા પોરબંદરમાં પણ અનેક ગામ અલ્પ વિકસીત છે ત્યારે આ પ્રકારનાં ગામ દત્તક લેવાની જગ્યાએ વિકસીત ગામ દત્તક લઈ સાંસદ રમેશ ધળુકે લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે.
- Advertisement -
પૂર્વમંત્રીથી લઈ વર્તમાન રાજકારણમાં ગામના આગેવાન
સમઢીયાળા ગામમાંથી મંત્રી બન્યા હતા તેમજ હાલ તાલુકા પંચાયતથી લઈ તમામ ક્ષેત્રે ગામના આગેવાન છે. આવા નેતાઓની લાગવગના કારણે ગામ દત્તક લેવામાં આવ્યું છે.
સાંસદ વટ પાડવા માંગે છે
સંપન્ન ગામ દત્તક લઈને સાંસદ રમેશ ધળુક વટ પાડવા માંગતા હોય તેમ લાગે છે. સમઢીયાળામાં એક પણ ખરાબ રોડ નથી છતાં પણ ગામ દત્તક લેતાં અનેક સવાલો ઉભા થયા છે.
સાંસદ ફેરવિચારણા કરે
સમઢીયાળા ગામ સંપન્ન ગામ છે ત્યારે અલ્પવિકસીત ગામ દત્તક લેવાની જરૂર છે. આ અંગે સાંસદે ફેરવિચારણા કરવાની જરૂર છે.
- Advertisement -
ગામમાં બેંક, શાળા, સારા રસ્તા છતાં દત્તક લીધુ
ગામમાં બધા પ્રકારની સુવિધા છે. બેંક, શાળા, સારા રસ્તા, પાણીની સુવિધા છે તેમજ નવી શાળાનું ભવન પણ બની રહ્યું છે ત્યારે સાંસદે આ ગામ દત્તક લેવાને બદલે અન્ય અલ્પવિકસીત ગામ દત્તક લેવાની જરૂર છે.