ખાસ-ખબર સ્પેશ્યલ રાજકોટ, તા.15
તાજેતરમાં અમેરિકાથી આવેલા સમાચારોએ આખા વિશ્ર્વને હચમચાવી મુક્યું છે. પેન્સિલવેનિયાના બટલર ખાતે જયારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકીય સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે એક યુવક દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર આડેધડ ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ સદનસીબે એક પણ ગોળીએ તોમનો જીવ ન લીધો. હા તેમનો કાન થોડો ઈજાગ્રસ્ત ચોક્કસ થયો. આ હુમલામાં ગોળીઓ ચલાવનાર યુવકને અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઠાર માર્યો છે. ઉપરાંત સભા સ્થળે હાજર એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. ઘટના બાદ વિશ્ર્વ આખામાં સોંપો પડી ગયો. વડાપ્રધાન મોદીથી લઈને અનેક મોટા નેતાઓએ આ મામલે ચિંતા જતાવી અને હુમલાને વખોડી કાઢ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમણે પોતે જ આની માહિતી આપી છે.
- Advertisement -
જોકે, આ કોઈ પ્રથમ ઘટના નથી કે અમેરિકામાં કોઈ મોટા નેતા પર જાહેરમાં જીવલેણ હુમલો થયો હોય. એમાં પણ રાષ્ટ્રપતિઓની હત્યામાં અમેરિકાનો ઇતિહાસ હંમેશાથી લોહિયાળ રહ્યો છે. અમેરિકામાં અત્યારસુધી 4 રાષ્ટ્રપતિઓની હત્યા થઈ ચૂકી છે અને અનેક પર હુમલા કરવામાં આવ્યા છે. 1865થી એટલે કે લગભગ છેલ્લી ત્રણ સદીઓમાં આવા અઢળક કિસ્સા સામે આવ્યા છે.
અમેરિકામાં પ્રથમ હત્યા 16મા રાષ્ટ્રપતિની, અબ્રાહમ લિંકનને માથામાં મારી હતી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. વાત છે 14 એપ્રિલ 1865ની. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ પોતાની પત્ની મેરી ટોડ લિંકન અને કેટલાક નજીકના લોકો સાથે વોશિંગ્ટનના ફોર્ડ થીયેટરમાં ‘અવર અમેરિકન કઝીન’ નામનો કોમેડી પ્લે જોઈ રહ્યા હતા. દરમિયાન જોન વિલ્ક્સ બુથ નામના વ્યક્તિએ તેમને માથામાં ગોળી મારી દીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ 15 એપ્રિલે અંતે તેમનું મૃત્યુ થયું.
લિંકનને સમાજ સુધારક માનવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વિરોધ, વિગ્રહોનો સામનો કરીને, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિને સંભાળીને ગુલામી પ્રથા નાબુદ કરાવી હતી. તેમની હત્યા પાછળ પણ રંગભેદનો વિરોધ અને અશ્ર્વેત લોકોના અધિકારોને લઈને તેમના વલણને જવાબદાર માનવામાં આવે છે. તેમના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોનસને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. બીજી તરફ 26 એપ્રિલ 1865ના રોજ વર્જિનિયામાં લિંકનના હત્યારાની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉપર અમેરિકાના ઈતિહાસમાં જે રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર જાનલેવા હુમલા કરવામાં આવ્યા તે તમામ વિગતોનું ઈન્ફોગ્રાફિક્સ અપાયું છે. આ સિવાય એવી પણ અનેક ઘટનાઓ છે જેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કે પછી અન્ય કોઈ મોટા નેતાની હત્યા કે હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હોય. પોતાને શક્તિશાળી અને પ્રથમ નંબરના લોકશાહી દેશ તરીકે ઓળખાવતા અમેરિકાના ઇતિહાસમાં ઉપરોક્ત ઘટનાઓ કાળા ધબ્બા સમાન છે. તેમાં પણ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલો જીવલેણ હુમલો આ ધબ્બામાં વધારો છે.