ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનની ટીકા કરી
ઓક્ટોબર 2022માં એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર આવેલાં પાકિસ્તાનને ફરી ગ્રે લિસ્ટમાં મુકાવવા ચક્રો ગતિમાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગ્લોબલ ટેરર ફાયનાન્સિંગ વોચડોગ ધ ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ-એફએટીએફ દ્વારા પહેલીવાર પહેલગામમાં થયેલાં આતંકી હુમલાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે આ હુમલો આતંકી જૂથો વચ્ચે નાણાંની લેવડદેવડ કરવાના માધ્યમ વિના શક્ય જ નથી. આ નિવેદનને કારણે ભારતના દાવા-પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી જૂથોનો હાથ છે-ને બળ મળ્યું છે. પાકિસ્તાન સરકાર આતંકવાદને સ્પોન્સર કરે છે તેવી ભારતની લાંબા સમયથી ચિંતા રહી છે.
- Advertisement -
ન્યુસ 18માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર ભારતના સિનિયરઅધિકારીઓએ એફએટીએફના ગ્લોબલ નેટવર્કના મહત્વના સભ્ય દેશોને મહત્વની માહિતી આપી પાકિસ્તાનને ફરી આતંકવાદના ગ્રે લિસ્ટમાં મુકવા માટે સર્વસંમતિ બનાવવા માંડી છે. જે દેશો આતંકવાદ ફેલાવવા માટે નાણાં ઉભાં કરવામાં સહાયરૂપ બનતાં હોય અને મની લોન્ડરિંગ માટે સલામત મનાતાં હોય તેમને એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં મુકવામાં આવે છે. પાકિસ્તાનને પહેલીવાર 2018માં એફએટીએફના ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. એ પછી પાકિસ્તાને સફળ રાજદ્વારી પ્રયાસો કરી તેનું નામ ઓક્ટોબર 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર કઢાવી લીધું હતું.
જો કે, ભારતીય એજન્સીઓ અને અધિકારીઓએ સતત દલીલ કરી હતી કે આંતક ફેલાવવા માટે વપરાતું ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર અકબંધ છે અને કાનુની પગલાં ભરવાના દેખાડા હેઠળતેને પોષવામાં આવ્યું છે. હવે એફએટીએફ દ્વારા નિવેદન બહાર પાડી આંતકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પુરા પાડવાના માધ્યમોને તોડી પાડવા વધારે કડક અભિગમ અપનાવવા પર ભાર મુક્યો છે. સંસ્થા દ્વારા હવે દેશમાં આતંક સામે લેવામાં આવેલાં પગલાં કેટલાં અસરકારક નીવડયા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આમ, દેશો વચ્ચે પરસ્પર મૂલ્યાંકન દ્વારા આતંકને નાથવાના પ્રયાસોમાં રહી જતી ઉણપોને ઓળખી તેને દૂર કરવામાં આવશે.