ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત કચ્છમાં ભારતીય સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા કચ્છમાં ભારતીય દરિયાઇ સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. IMBL નજીક 6 શખ્સોને 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સાથે મળીને રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ‘અલ સાકર’ને ઝડપી પાડી છે. બાદમાં આ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ તપાસ માટે તેમને બોટ સાથે જખૌ લવાયા.
- Advertisement -
જામનગરમાંથી પણ ઝડપાયું હતું કરોડોનું MD ડ્રગ્સ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ જામનગરમાં પણ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરથી નેવી ઈન્ટેલિજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.
નેવી ઈન્ટેલિજન્સે બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 6 કરોડ રૂપિયા ગણાવવામાં આવી હતી.
- Advertisement -
સુરતમાંથી પણ ઝડપાયો હતો ડ્રગ્સનો મોટો જથ્થો
આ સિવાય થોડાક દિવસો અગાઉ સુરતમાંથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સુરત શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી 1.6 કરોડના ડ્રગ્સ સાથે એક રાજસ્થાની યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સારોલી પોલીસને બાતમી મળતા ટીમે નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, આ દરમિયાન એક શંકાસ્પદ યુવકને અટકાવીને તેની બેગ તપાસવામાં આવી હતી. જેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. શરૂઆતમાં આ યુવકે આ સફેદ પાવડરને ફટકડી ગણાવી હતી. જોકે, બાદમાં એફએસએલ રિપોર્ટમાં તે MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.
Indian Coast Guard, in joint ops with ATS Gujarat, apprehended a Pakistani boat Al Sakar with 6 crew members & 50 kg of heroin worth Rs 350 crores market value in the early hrs of today, Oct 8,close to International Maritime Boundary Line(IMBL): Indian Coast Guard (ICG) officials
— ANI (@ANI) October 8, 2022
તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 40 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું
તદુપરાંત થોડાક સમય પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન દ્વારા ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી.
અમે ડ્રગ્સનું નેટવર્ક તોડતા રહીશું: હર્ષ સંઘવી
તાજેતરમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે, ‘ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે.’