ગુજરાત એટીએસે અલ કાયદા સાથેના સંબંધો બદલ બેંગલુરુથી 30 વર્ષીય મહિલા સમા પરવીનની ધરપકડ કરી છે. ડીઆઈજી સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, આ અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ બાદ કરવામાં આવ્યું છે.
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ મંગળવારે અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા સમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. જે મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
ATS દ્વારા સમા પરવીન પાસેથી મહત્વપૂર્ણ પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સમા પરવીન 23 જુલાઈએ ઝડપાયેલા ચાર આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતી.
ગુજરાત ATS હાલ સમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આતંકવાદી નેટવર્કના અન્ય સભ્યો અને તેમના સંભવિત ષડયંત્રોનો પર્દાફાશ કરી શકાય. આ ધરપકડ ગુજરાત ATSની આતંકવાદ સામેની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
ગુજરાત ATSની ટીમે 23 જુલાઇએ અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી.
- Advertisement -
ગુજરાત ATSએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધાર ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમાં દિલ્હીથી ફરાસખાના ખાતે રહેતો મોહમ્મદ ફૈક, નોઈડાના સેક્ટર 63 થી ઝીશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા.