3 વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
શહેરના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા યુવાનને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ મોબાઈલ પડાવી લીધા બાદ 2000ની માંગણી કરી ક્લાસરૂમમાં અને પાર્કીંગમાં માર મારી હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર મોટેલ ધ વિલેજ પાસે આવેલ સહજાનંદ વાટીકા શેરી નં. 5માં રહેતા પાર્થ ભાણજીભાઈ રાઠોડ (ઉં.વ.18) નામના અનુ. જાતિના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આત્મીય કોલેજમાં જ અભ્યાસ કરતા માનવ ચોટલીયા, ધાર્મિક ભટ્ટી અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યુવાન આત્મીય કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે જ્યારે આરોપીઓ તેના બાજુના ક્લાસમાં અભ્યાસ કરે છે. ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અનુ. જાતિના યુવાનને નાની નાની બાબતમાં હેરાન કરી ત્રાસ આપતા હતા.
ગઈકાલે માનવ ચોટલીયા અને ધાર્મિક ભટ્ટીએ પાર્થનો 20 હજારનો મોબાઈલ પડાવી લીધો હતો. જે પરત જોઈતો હોય તો 2000 આપવા પડશે તેમ કહી હેરાન કરતા હતા. જે બાબતે ઝઘડો થતા ત્રણેય શખ્સોએ પાર્થ રાઠોડને કલાસ રૂમમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પાર્કીંગમાં લઈ જઈ ફરી ઢીકાપાટુનો માર મારી હડધૂત કર્યો હતો.
વિદ્યાર્થી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓ સામે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસની પુછપરછમાં પાર્થ રાઠોડના પિતા ભાણજીભાઈ રાઠોડ લક્ષ્મીનગર પીજીવીસીએલમાં જુનિયર એન્જીનીયર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.