ભણશે ગુજરાત જીતશે ગુજરાતનું સૂત્ર કેટલું સાચું?
છેલ્લાં ત્રણ વર્ષથી હાઈસ્કૂલ સાવ જર્જરિત પરિસ્થિતિમાં હાઈસ્કૂલમાં આચાર્ય અને શિક્ષકની ઘટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે અને વિદ્યાર્થી ભાઈ બેહનો ભવિષ્ય ઉજળું બને તેવા દાવા કરે છે. તે દાવા પોકળ થતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શાળાનું બિલ્ડીંગ જર્જરિત થતા વિદ્યાર્થીનાં ભવિષ્યની ચિંતા કોણ કરશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાની ટિનમસ ગામની શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર હાઈસ્કૂલ છેલ્લાં 3 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળે છે. જેમાં દીવાલોની હાલત ખુબ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. શાળાની છત પરનાં લોખંડના સળિયા દેખાઈ ગયા છે અને શાળાની છતમાંથી ગમે ત્યારે ગાબડાં પડી રહ્યા છે. ટિનમસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા ડરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને નાછૂટકે શાળાનાં ઓરડા બહાર ભણવા મજબુર બન્યા છે. આજે ટીનમસની હાઈસ્કૂલમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વંથલી તાલુકાની ટિનમસ ગામની શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ નાછૂટકે જર્જરિત હાલતમાં આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
બીજી તરફ શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર જ્યારથી આવ્યા ત્યારથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એક પણ કોમ્પ્યુટર ચાલુ જ થયું નથી તો આજના કોમ્પ્યુટર યુગમાં અન્ય વિદ્યાર્થી સાથે કદમ મિલાવીને આ બાળકો ક્યારે અભ્યાસ કરી શકાશે? બીજી તરફ હાઇસ્કૂલમાં આચાર્ય અને એક શિક્ષકની ઘટ છે. હાલ માત્ર એક શિક્ષક અને પટ્ટાવાળા અને ક્લાર્ક દ્વારા હાઈસ્કૂલ ચાલી રહી છે. ટિનમસની હાઈસ્કૂલમાં માત્ર ગરીબ વિદ્યાર્થી ભાઈ બેહનો અભ્યાસ કરવા આવે છે.
- Advertisement -
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે જર્જરિત ટિનમસની હાઈસ્કૂલ તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે કાં તો સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરીને નવું હાઈસ્કૂલનું બિલ્ડીંગ બનાવામાં આવે પરંતુ આ માંગ તંત્રનાં બહેરા કાને પહોંચતી નથી.
હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર આવ્યા ત્યારથી જ બંધ!
ભણશે ગુજરાત જીતશે ગુજરાતના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થી કેવી રીતે ભણશે? તેવા સવાલો વચ્ચે ટિનમસ હાઈસ્કૂલના કોમ્પ્યૂટર આવ્યા ત્યારથી બંધ જોવા મળી રહ્યા છે. એક તરફ ડિજીટલ યુગ આવી ગયો છે અને કોઈપણ સરકારી નોકરીમાં કોમ્પ્યુટર તાલીમની જરૂરી હોય છે. એવા સમયે હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર બંધ હાલત જોવા મળતાં વિદ્યાર્થી કોમ્પ્યુટરના અભ્યાસથી વંચિત જોવા મળી રહ્યા છે.