ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનુ જૂનાગઢમાં જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. શિક્ષણના હબ બનવા જઈ રહેલા જૂનાગઢમાં બે પ્રાઇવેટ યુનિવર્સિટી ડો.સુભાષ યુનિવર્સિટી અને નોબલ યુનિવર્સિટીને મંજૂરી મળતા શૈક્ષણિક વિકાસ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં બદલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મારું નહીં પરંતુ રાજ્ય સરકારનું સન્માન છે. સરકારની કર્તવ્ય નિષ્ઠા અને જન સેવાને સમર્પિત સરકારની વિકાસ લક્ષી નીતિનું અભિવાદન છે. શિક્ષણ મંત્રીએ આ તકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ થકી શિક્ષણમાં બદલાવ આવવાનો છે. નવી શિક્ષણનીતિના કેન્દ્રમાં દેશનો યુવાન છે. કૌશલ્ય નિપુણતા અને વૈશ્વિક સ્પર્ધામાં યુવાન અગ્રેસર રહે તેવા સરકારના પ્રયાસો છે.
આ પ્રસંગે ધારાસભ્ય અને ડો.સુભાષ યુનિવર્સિટીના ચેરમેન જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ,1976 માં તેમના પિતાશ્રી શ્રી પેથલજીભાઈ ચાવડાએ દીકરીઓના શિક્ષણને કેન્દ્રમાં રાખીને શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી જે આજે વટ વૃક્ષ બની છે. શિક્ષણ એ અમારા માટે વ્યવસાય નહીં પરંતુ પરંપરા છે. તેઓએ સાથે મળીને શૈક્ષણિક સર્વાંગી વિકાસની વાત કરી હતી. નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ 2007 થી શરૂ કરવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે આગળ વધી રહી છે અને હજુ આગળ સુવિધા માટે અમે કટિબદ્ધ છીએ તેમ જણાવી ગુણવત્તાલક્ષી શિક્ષણ યુવાનોને મળે તે માટે અમારા પ્રયાસો છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પાર્થ કોટેચા અને ડો.સુભાષ યુનિ.ના ડો.બલરામ ચાવડાએ પણ પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, મેયર ગીતાબેન પરમાર,ગીરીશભાઇ કોટેચા, પુનિતભાઇ શર્મા સહિતનાં હાજર રહ્યા હતા.